News Continuous Bureau | Mumbai
Bindeshwar Pathak: સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક ડો.બિંદેશ્વર પાઠકનું નિધન થયું છે. તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. મંગળવારે સુલભ ઈન્ટરનેશનલની ઓફિસમાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. બાદમાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું છે. મહાન ભારતીય સમાજ સુધારકોમાં સ્વ.બિંદેશ્વર પાઠકની ઓળખ થાય છે. તેમણે વર્ષ 1970માં સુલભ ઈન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરી હતી.
સુલભ ઈન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઈઝેશનના સ્થાપક ડૉ. બિંદેશ્વર પાઠકે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા ચળવળનું નિર્માણ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની પહેલને કારણે વિવિધ સ્થળોએ સુલભ શૌચાલયનું નિર્માણ શક્ય બન્યું. તેમના યોગદાનથી લાખો ગંભીર રીતે વંચિત ગરીબોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું જેઓને શૌચાલય પરવડી શકતા ન હતા.
આ સમાચાર પણ વાંચો : Independence Day : સ્વતંત્રતા દિવસ, 2023 નિમિત્તે 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરાયા
‘સ્વચ્છતા’ને ‘સુલભ’ તરીકે નવી ઓળખ આપી
ડૉ.બિંદેશ્વર પાઠક મહાત્મા ગાંધીને પોતાની પ્રેરણા માનતા હતા. છેલ્લા 50 વર્ષોમાં, તેમણે શૌચાલય સાફ કરતા મેન્યુઅલ સફાઈ કામદારોના માનવ અધિકારો માટે અથાક મહેનત કરી છે. જાહેર આરોગ્ય, સામાજિક વિકાસ અને માનવ અધિકારોના રક્ષણમાં સક્રિય યોગદાન આપનારા પાઠકે ‘સ્વચ્છતા’ને ‘સુલભ’ તરીકે એક નવી ઓળખ આપી છે અને વિશ્વભરમાં પોતાનું નામ કમાવ્યું છે. તેમને 2015માં ‘લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિંદેશ્વર પાઠકના અવસાન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ડૉ. બિંદેશ્વર પાઠકજીનું અવસાન આપણા દેશ માટે એક મોટી ખોટ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે સામાજિક પ્રગતિ અને કચડાયેલા લોકોને સશક્ત બનાવવા માટે મોટા પાયે કામ કર્યું હતું. બિંદેશ્વરજીએ સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનું પોતાનું મિશન બનાવ્યું. તેમણે આને યાદગાર ટેકો પૂરો પાડ્યો.