ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
દેશમાં દિવાળીના ઉત્સવમાં ફટાકડા ફોડવા ઉપર છેલ્લાં કેટલાંક વર્ષોથી વિવાદ ચાલે છે. એવામાં ફટાકડા ફોડવા બાબતે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું છે કે તમામ ફટાકડા પર પ્રતિબંધ નથી. ફક્ત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેરિયમથી બનેલા ફટાકડા પર પ્રતિબંધ રહેશે. આ નિયમનું ઉલ્લંઘન કરવા પર રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, SP, DSP, જિલ્લાના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ જેવા અધિકારીઓ વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે રાજ્ય સરકારોએ આ આદેશનો વ્યાપક રીતે પ્રચાર કરવો જોઈએ.
કોર્ટે કહ્યું હતું કે બીજાના સ્વાસ્થ્યની કિંમત ઉપર ઉજાણી કરી શકાતી નથી. ઉજાણીની આડમાં પ્રતિબંધિત ફટાકડાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ફટાકડા પરના પ્રતિબંધના અમલમાં રાજ્યો, એજન્સીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી કોઈ પણ ક્ષતિને ગંભીરતાથી જોવામાં આવશે. ફટાકડા પ્રતિબંધ અંગે લોકોને જાગ્રત કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયા, સ્થાનિક ટીવી સેવાઓ દ્વારા યોગ્ય પ્રચાર કરવો જોઈએ.
આઝાદ હિન્દ ફોજની વર્ષગાંઠ નિમિત્તે આંદામાનના ટાપુ વાસીઓએ કરી આ નવી શરૂઆત, જાણો વિગતે
કોર્ટે પોતાના આદેશમાં CBI દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક તપાસ રિપૉર્ટમાં કહ્યું છે કે ઘણી કંપનીઓ પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરીને ફટાકડા બનાવી રહી છે. એના પર ગ્રીન ક્રેક્રરનું લેબલ લગાવીને એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. બેન્ચે નોંધ્યું છે કે આ સ્પષ્ટપણે સંબંધિત સંસ્થાઓ અને રાજ્ય સરકારની નિષ્ફળતા છે. કોર્ટના આદેશનું પાલન થાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી તેમની છે.