ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર, 2021
શુક્રવાર
તમિલનાડુમાં બ્રાહ્મણ છોકરાઓને અત્યારે નોકરીની ચિંતા નથી. તેમની સમસ્યાનું કારણ લગ્ન ન થઈ શકવાનું છે. તમિલનાડુમાં દુલ્હન શોધવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે હવે 40 હજારથી વધુ યુવા તમિલ બ્રાહ્મણ પુરુષો કન્યાની શોધમાં યુપી અને બિહાર જઈ રહ્યા છે. તમિલનાડુ બ્રાહ્મણ સંઘે લગભગ 2 હજાર કિલોમીટર દૂર યુપી અને બિહાર રાજ્ય તરફ મીટ માંડી છે. બ્રાહ્મણ સંઘે આ બંને રાજ્યોમાં એક જ જ્ઞાતિની કન્યાઓ શોધવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે.
એજન્સીઓના અહેવાલ મુજબ રાજ્યમાં તમિલ બ્રાહ્મણ કન્યાઓની અછતને કારણે રાજ્યના બ્રાહ્મણ સંઘે યુપી અને બિહાર રાજ્યોમાં યોગ્ય યુગલોની શોધ શરૂ કરી છે. થમ્બ્રાસ એસોસિએશનના પ્રમુખ એન નારાયણને મીડિયાને કહ્યું હતું કે 'અમે અમારા સમાજ વતી એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે.
કેટલાક આંકડાઓને ટાંકતા નારાયણ મીડિયાને કહ્યું હતું કે 30-40 વર્ષની વયના 40,000 તમિલ બ્રાહ્મણ પુરુષોને તમિલનાડુમાંથી દુલ્હન મળતી નથી. આ લગ્નયોગ્ય વય જૂથમાં 10 બ્રાહ્મણ છોકરાઓ સામે ફક્ત 6 છોકરીઓ છે. તેવું તેમણે કહ્યું હતું.
એસોસિએશનના પ્રમુખે મીડિયાને કહ્યું હતું કે આ પહેલને આગળ વધારવા માટે દિલ્હી, લખનઉ અને પટનામાં સંયોજકોની નિમણૂક કરવામાં આવશે. તેમાં એવા લોકોને સામેલ કરવામાં આવશે જેઓ હિન્દી વાંચી, લખી અને બોલી શકે છે. તેઓ લખનઉં અને પટનાના લોકોના સંપર્કમાં છે અને આ પહેલ કરવી વ્યવહારુ છે.
એન નારાયણને મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે ઘણા બ્રાહ્મણોએ આ પગલાને આવકાર્યું હતું, ઉપરાંત સમુદાયમાં અલગ અલગ મંતવ્યો પણ હતા. તમિલનાડુના એમ પરમેશ્વરન જે એક શિક્ષણશાસ્ત્રી છે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, લગ્ન કરી શકાય તેવી વયજૂથમાં પૂરતી તમિલ બ્રાહ્મણ છોકરીઓ ન હોવું, આ એકમાત્ર કારણ નથી કે છોકરાઓ કન્યા શોધી શકતા નથી. ભાવિ વરના માતા-પિતા લગ્નોમાં 'ધામધૂમ અને દેખાડો કરવાની અપેક્ષા રાખે છે. પરમેશ્વરને પૂછ્યું, "છોકરાઓના માતા-પિતા શા માટે લગ્ન આલીશાન મેરેજ હોલમાં થાય એવું ઈચ્છે છે? સાદી રીતે લગ્ન ન થઈ શકે? મંદિરમાં કે ઘરમાં લગ્ન કેમ ન થઈ શકે?
એન પરમેશ્વરને કહ્યું કે છોકરીના પરિવારે લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવો પડે છે અને તે તમિલ બ્રાહ્મણ સમુદાયનો શ્રાપ છે. વધુ ખર્ચ થાય તેવા લગ્નો એક સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે અને આવી વિચારધારા એ સમાજનું દુર્ભાગ્ય છે. સમુદાયે પ્રગતિ પસંદ કરવી જોઈએ અને ઢોંગને નકારી કાઢવો જોઈએ.