News Continuous Bureau | Mumbai
Congress Candidate List: કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 39 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી ( Rahul Gandhi ) ફરી એકવાર વાયનાડ સીટ પરથી ચૂંટણી લડતા જોવા મળશે. છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ આ વખતે રાજનાંદગાંવથી ચૂંટણી લડશે. પાર્ટીએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
કોંગ્રેસના ( Congress ) મહામંત્રી કે.સી. વેણુગોપાલે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અમે આજે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી રહ્યા છીએ. જેમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો ( Bhupesh Baghel ) સમાવેશ થાય છે. આ યાદીમાં 15 લોકો જનરલ કેટેગરીના છે અને 24 લોકો એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી કેટેગરીના છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ છે. જેમાં જાંજગીર ચંપાથી શિવકુમાર દહરિયા, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, તિરુવનંતપુરમથી શશિ થરૂર, વાયનાડથી રાહુલ ગાંધી, બેંગલુરુ ગ્રામીણથી ડીકે સુરેશ ચૂંટણી લડશે.
આ સમાચાર પણ વાંચો : Vikramaditya Vedic Clock: વિક્રમાદિત્ય વૈદિક ઘડીયાળ પર સાયબર એટેક, સર્વર ડાઉન, PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન..
કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીના જાહેરના એક દિવસ પહેલા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. ગુરુવારે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, સચિન પાયલોટ સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો ન્યાય યાત્રામાં વ્યસ્ત છે, તેથી તેમણે કોંગ્રેસની આ બેઠકમાં હાજરી આપી ન હતી. આ બેઠક બાદ જ એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. હવે પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. નોંધનીય છે કે, આ પહેલા ભાજપે પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી