ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 નવેમ્બર 2020
દેશમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થઇ ગયો હોવાનું નિષ્ણાત ડૉક્ટરો માને છે. હજુ કોરોનાની સો ટકા ખાત્રીદાયક રસી મળી નથી એવા સમયે અગમચેતી શ્રેષ્ઠ ઉપાય છે એમ નિષ્ણાતોનું કહેવું છે. ઓછામાં ઓછાં છ રાજ્યોમાં કોરોના ફરી પગ પસારો કરી રહ્યો હોવાના અણસાર મળ્યા હતા. પાટનગર નવી દિલ્હીમાં ભીષણ પ્રદૂષણ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 7,745 નવા કેસ સામે આવ્યા હતા અને સંક્રમિતોની કુલ સંખ્યા સાડા ચાર લાખની આસપાસ પહોંચી ગઇ હતી. છેલ્લાં 24 કલાકમાં 77 દર્દીના મોત નિપજ્યા હતાં. તો મહારાષ્ટ્રમાં 5,092 નવા કેસ બહાર આવ્યા હતા અને 110 દર્દીના મોત નોંધાયાં હતાં. દરમિયાન આસામમાં 152 નવા કેસ સામે આવ્યા હતા અને અત્યાર સુધીમાં 943 લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઝારખંડમાં 203 નવા કેસ સામે આવ્યા હતા અને અત્યાર સુધીમાં 897 મોત નિપજ્યા નોંધાયાં હતાં. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાક માં 3,920 નવા કેસ નોંધાયા હતા અને 59 લોકોના મોત થયાં હતાં. પંજાબમાં સંક્રમિત લોકોની સંખ્યા દોઢ લાખની આસપાસ પહેાંચી હતી જ્યારે અત્યાર સુધીમાં 4,318 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અહેવાલ મુજબ અત્યારે 108 દેશો કોરોનાની રસી બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હાલના તબક્કે અગમચેતીજ શ્રેષ્ઠ ઉપાય ગણી શકાય. જેટલા તમે સતર્ક રહેશો એટલા સુરક્ષિત રહેશો. માસ્ક પહેરવું, સોશિયલ ટિસ્ટન્સીંગ જાળવવું, વારંવાર હાથ ધોવા, ભીડભાડથી દૂર રહેવું અને બજારૂ ખાદ્ય પદાર્થોથી બચવું એ કોરોનાથી સુરક્ષિત રહેવાના ઉપાયો છે.