Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા વિધેયક 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ, 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ, 2023 રજૂ કર્યું

Home Minister Amit Shah : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી ઑગસ્ટે દેશ સમક્ષ લીધેલા પાંચ પ્રણમાંથી એક એ હતું કે – ગુલામીની તમામ નિશાનીઓનો અંત લાવવો– આજના આ ત્રણ વિધેયકો શ્રી મોદીના આ એક પ્રણને પૂર્ણ કરવા જઈ રહ્યા છે આજે, અમે અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા એવા ભારતીય દંડ સંહિતા, 1860, ફોજદારી કાર્યરીતિ સંહિતા, (1898), 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ, 1872ને રદ કરીને 3 નવા બિલ લાવ્યા છીએ

by Admin J
The Union Home Minister and Minister for Cooperation Shri Amit Shah today introduced the Indian Judicial Code Bill, 2023, the Indian Civil Protection Code Bill, 2023 and the Indian Evidence Bill, 2023 in the Lok Sabha today.

News Continuous Bureau | Mumbai 

Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે લોકસભામાં(Loksabha) ભારતીય ન્યાય સંહિતા વિધેયક 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ, 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ, 2023 રજૂ કર્યું

 • ભારતીય દંડ સંહિતા (આઇપીસી), 1860નું સ્થાન ભારતીય ન્યાય સંહિતા બિલ, 2023 લેશે, ફોજદારી કાર્યરીતિ સંહિતા, 1898નું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 લેશે અને ભારતીય પુરાવા અધિનિયમ, 1872નું સ્થાન ભારતીય સાક્ષ્ય વિધેયક, 2023 લેશે
 • આ ત્રણ જઈ રહેલા કાયદા બ્રિટિશ શાસનને મજબૂત અને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો હેતુ ન્યાય આપવાનો નહીં પણ સજા કરવાનો હતો
 • આ ત્રણ નવા કાયદાઓનો આત્મા બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ અધિકારોનું રક્ષણ કરવાનો રહેશે, અને તેમનો હેતુ સજા કરવાનો નહીં પરંતુ ન્યાય આપવાનો રહેશે
 • ભારતીય વિચારપ્રક્રિયાથી બનેલા આ ત્રણ કાયદાઓ આપણી અપરાધિક ન્યાય પ્રણાલીમાં મોટું પરિવર્તન લાવશેમોદી સરકારે શાસનને બદલે નાગરિકોને કેન્દ્રમાં લાવવા માટે ખૂબ જ સૈદ્ધાંતિક નિર્ણય લઈને આ કાયદો લાવ્યો છે
 • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) વર્ષ 2019માં કહ્યું હતું કે, તમામ વિભાગોમાં અંગ્રેજોના સમયમાં બનેલા તમામ કાયદાઓ સમય અનુસાર અને ભારતીય સમાજનાં હિતમાં પૂરતી ચર્ચા અને વિચારણા પછી બનાવવા જોઈએ
 • 18 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, સુપ્રીમ કૉર્ટ(supreme court), 16 હાઈકૉર્ટ(high court), 5 જ્યુડિશિયલ એકેડેમી, 22 લૉ યુનિવર્સિટીઝ, 142 સાંસદો, લગભગ 270 ધારાસભ્યો અને જનતાએ આ નવા કાયદાઓ પર પોતાનાં સૂચનો આપ્યાં છે
 • ગૃહમંત્રીએ કહ્યું કે, 4 વર્ષ સુધી આ કાયદાઓ પર સઘન ચર્ચા થઈ અને તેઓ પોતે 158 પરામર્શ બેઠકોમાં હાજર રહ્યા
 • ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ, જે સીઆરપીસીનું સ્થાન લેશે, તેમાં હવે 533 કલમો છે, જૂના કાયદાની 160 કલમો બદલવામાં આવી છે, 9 નવી કલમો ઉમેરવામાં આવી છે અને 9 કલમો રદ કરવામાં આવી છે
 • ઇન્ડિયન પીનલ કોડનું સ્થાન લેનાર ભારતીય ન્યાય સંહિતા બિલ 2023માં અગાઉની 511 કલમોને બદલે 356 કલમો હશે, 175 કલમો બદલવામાં આવી છે, 8 નવી કલમો ઉમેરવામાં આવી છે અને 22 કલમો રદ કરવામાં આવી છે
 • પુરાવા અધિનિયમનું સ્થાન લેનાર ભારતીય સાક્ષ્ય વિધેયકમાં હવે અગાઉની 167ની જગ્યાએ 170 કલમો હશે, 23 કલમો બદલવામાં આવી છે, 1 નવી કલમ ઉમેરવામાં આવી છે અને 5 રદ કરવામાં આવી છે
 • આ ત્રણ જૂના કાયદાઓમાં ગુલામીના સંકેત હતા, બ્રિટિશ સંસદે પસાર કર્યા હતા, અમે કુલ 475 જગ્યાએથી ગુલામીના આ સંકેતોને દૂર કરીને નવા કાયદા લઈને આવ્યા છીએ
 • આ કાયદો દસ્તાવેજોની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે જેમાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ્સ, ઇ-મેઇલ, સર્વર લોગ્સ, કમ્પ્યૂટર્સ, સ્માર્ટ ફોન્સ, લેપટોપ, એસએમએસ, વેબસાઇટ્સ, લોકેશનલ પુરાવા, મેઇલ્સ, ઉપકરણો પરના સંદેશાઓનો સમાવેશ થાય છે
 • આ કાયદામાં એફઆઈઆરથી લઈને કેસ ડાયરી, કેસ ડાયરીથી લઈને ચાર્જશીટ અને ચાર્જશીટથી લઈને ચુકાદા સુધીની સમગ્ર પ્રક્રિયાને ડિજિટાઈઝ કરવાની જોગવાઈ કરવામાં આવી છે
 • સર્ચ અને જપ્તી સમયે વીડિયોગ્રાફી ફરજિયાત કરવામાં આવી છે જે એ કેસનો ભાગ હશે અને નિર્દોષ નાગરિકોને ફસાવશે નહીં, પોલીસ દ્વારા આવાં રેકોર્ડિંગ વિના કોઈ ચાર્જશીટ માન્ય રહેશે નહીં
 • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સજાનો ગુણોત્તર વધારવા ફોરેન્સિક સાયન્સને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો
 • ત્રણ વર્ષ બાદ દેશમાં દર વર્ષે 33,000 ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ઉપલબ્ધ થશે, કાયદામાં દોષિત ઠેરવવાનો રેશિયો 90 ટકાથી ઉપર લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે
 • 7 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ ધરાવતા ગુનાઓમાં ગુનાનાં સ્થળે ફોરેન્સિક ટીમની મુલાકાત ફરજિયાત બનાવવામાં આવી રહી છે, તેના દ્વારા પોલીસ પાસે વૈજ્ઞાનિક પુરાવા હશે, જે પછી કૉર્ટમાં ગુનેગારોને નિર્દોષ છોડી મૂકવાની શક્યતા ખૂબ જ ઓછી રહેશે
 • મોદી સરકાર નાગરિકોની સુવિધા માટે આઝાદીનાં 75 વર્ષ બાદ પહેલીવાર ઝીરો એફઆઈઆર શરૂ કરવા જઈ રહી છે, આ પહેલથી નાગરિકો પોતાનાં પોલીસ સ્ટેશન વિસ્તારની બહાર પણ ફરિયાદ નોંધાવી શકશે
 • ઈ-એફઆઈઆરની જોગવાઈ પ્રથમ વખત ઉમેરવામાં આવી રહી છે, દરેક જિલ્લા અને પોલીસ સ્ટેશન એક પોલીસ અધિકારીને નિયુક્ત કરશે જે ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવારને તેની ધરપકડ વિશે સત્તાવાર રીતે ઓનલાઇન અને રૂબરૂમાં જાણ કરશે
 • જાતીય હિંસાના કેસોમાં પીડિતાનું નિવેદન ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને જાતીય સતામણીના કેસોમાં નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે
 • પોલીસ માટે ફરિયાદની સ્થિતિ 90 દિવસમાં અને ત્યારબાદ દર 15 દિવસે ફરિયાદીને આપવી ફરજિયાત રહેશે
 • પીડિતની વાત સાંભળ્યા વગર કોઈ પણ સરકાર 7 વર્ષ કે તેથી વધુની કેદનો કેસ પાછો ખેંચી શકશે નહીં, આ નાગરિકોના અધિકારોની રક્ષા કરશે
 • નાના નાના કેસોમાં સમરી ટ્રાયલનો વ્યાપ વધારવામાં આવ્યો છે, હવે 3 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાઓને સમરી ટ્રાયલમાં સામેલ કરવામાં આવશે, માત્ર આ જોગવાઈથી જ સેશન્સ કૉર્ટમાં 40 ટકાથી વધુ કેસોનો અંત આવશે
 • ચાર્જશીટ ફાઇલ કરવા માટે 90 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને પરિસ્થિતિના આધારે, કૉર્ટ વધુ 90 દિવસ માટે પરવાનગી આપી શકે છે, તપાસ 180 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે અને ખટલો શરૂ થવો જોઈએ
 • અદાલતો હવે આરોપી વ્યક્તિને 60 દિવસની અંદર આરોપ ઘડવાની નોટિસ આપવા માટે બંધાયેલી રહેશે, દલીલો પૂર્ણ થયાના 30 દિવસની અંદર, માનનીય ન્યાયાધીશે ચુકાદો આપવાનો રહેશે, આનાથી નિર્ણય વર્ષો સુધી પેન્ડિંગ રહેશે નહીં અને આદેશ 7 દિવસની અંદર ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાનો રહેશે
 • સરકારે સનદી અધિકારી અથવા પોલીસ અધિકારી સામે ખટલા માટે 120 દિવસની અંદર પરવાનગી અંગે નિર્ણય લેવાનો રહેશે નહીં તો તેને ડીમ્ડ પરમિશન તરીકે ગણવામાં આવશે અને ટ્રાયલ શરૂ કરવામાં આવશે
 • જાહેર કરાયેલા અપરાધીઓની સંપત્તિ ટાંચમાં લેવાની જોગવાઈ લાવવામાં આવી છે, આંતરરાજ્ય ગૅન્ગ અને સંગઠિત ગુનાઓ સામે કડક સજાની નવી જોગવાઈ પણ આ કાયદામાં ઉમેરવામાં આવી રહી છે
 • લગ્ન, રોજગાર, પ્રમોશન અને ખોટી ઓળખના ખોટા વાયદાના બહાને સેક્સને પહેલીવાર ગુનો બનાવવામાં આવ્યો છે, ગૅંગરેપના તમામ કેસમાં 20 વર્ષની જેલ અથવા આજીવન કેદની સજા
 • 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે અપરાધના કિસ્સામાં પણ મોતની સજાની જોગવાઈ કરવામાં આવી છે, મોબ લિંચિંગ માટે પણ 7 વર્ષની જેલ, આજીવન કેદ અને ફાંસીની સજાની ત્રણેય જોગવાઈ કરવામાં આવી છે
 • પહેલા મહિલાઓ પાસેથી મોબાઈલ ફોન કે ચેઈન ઝૂંટવી લેવા અંગે કોઈ જોગવાઈ ન હતી, પરંતુ હવે તેના માટે જોગવાઈ કરવામાં આવી છે
 • કાયમી અપંગતા અથવા બ્રેઇન ડેડ થવાના કિસ્સામાં 10 વર્ષની કેદ અથવા આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે
 • બાળકો સાથે ગુનો કરનાર વ્યક્તિ માટે સજા 7થી વધારીને 10 વર્ષ કરવામાં આવી, ઘણા ગુનાઓમાં દંડની રકમ વધારવાની જોગવાઈ
 • રાજકીય લાભ માટે માફીનો ઉપયોગ કરવાના ઘણા કિસ્સા સામે આવ્યા હતા, હવે ફાંસીની સજાને માત્ર આજીવન કેદમાં બદલી શકાય છે, આજીવન કેદની સજા ઓછામાં ઓછી 7 વર્ષ અને 7 વર્ષની ઓછામાં ઓછી 3 વર્ષની થઈ શકે છે, કોઈ પણ ગુનેગારને મુક્ત કરવામાં આવશે નહીં
 • મોદી સરકાર રાજદ્રોહનો કાયદો સંપૂર્ણપણે રદ કરવા જઈ રહી છે કારણ કે ભારત એક લોકશાહી છે અને દરેકને બોલવાનો અધિકાર છે
 • પહેલા આતંકવાદની કોઈ વ્યાખ્યા ન હતી, હવે સશસ્ત્ર વિદ્રોહ, વિધ્વંસક ગતિવિધિઓ, અલગતાવાદ, ભારતની એકતા, સાર્વભૌમત્વ અને અખંડતાને પડકારતા જેવા અપરાધોને આ કાયદામાં પહેલીવાર પરિભાષિત કરવામાં આવ્યા છે
 • ગેરહાજરીમાં સુનાવણીને લઈને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, સેશન્સ કૉર્ટના જજ દ્વારા ભાગેડુ જાહેર કરાયેલી વ્યક્તિ સામે તેની ગેરહાજરીમાં કેસ ચલાવવામાં આવશે અને તેને સજા ફટકારવામાં આવશે, પછી ભલેને તે વિશ્વમાં ક્યાંય પણ છુપાયો હોય, જો ભાગેડુએ સજા સામે અપીલ કરવી હોય, તો તેણે ભારતીય કાયદાનું પાલન કરવું પડશે
 • આ કાયદામાં કુલ 313 ફેરફાર કરવામાં આવ્યા છે જે ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં વ્યાપક પરિવર્તન લાવશે, હવે મહત્તમ 3 વર્ષમાં કોઇને પણ ન્યાય મળી શકશે
 • આ કાયદામાં મહિલાઓ અને બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, ગુનેગારોને સજા થાય અને પોલીસ તેમની શક્તિનો દુરુપયોગ ન કરી શકે તેની તકેદારી રાખવામાં આવી છે
 • એક તરફ રાજદ્રોહ જેવા કાયદા રદ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ છેતરપિંડી દ્વારા મહિલાઓનું શોષણ કરવા અને મોબ લિંચિંગ જેવા જઘન્ય અપરાધો માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે, સંગઠિત અપરાધો અને આતંકવાદ પર પણ કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે 12 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા બિલ, 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ, 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ, 2023 રજૂ કર્યું હતું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવનું સમાપન થઈ રહ્યું છે અને અમૃત કાલનો પ્રારંભ થઈ રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ 15 ઑગસ્ટે સમાપ્ત થશે અને આઝાદીનાં 75 થી 100 વર્ષની યાત્રા 16 ઑગસ્ટથી શરૂ થશે, જે એક મહાન ભારતનું નિર્માણ કરશે. તેમણે કહ્યું કે 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંચ પ્રણને દેશની જનતાની સામે રાખ્યા હતા, તેમાંથી એક છે ગુલામીના તમામ ચિન્હોને ખતમ કરવા. તેમણે કહ્યું હતું કે, આજે રજૂ કરવામાં આવેલા આ ત્રણ બિલો એક પ્રકારે મોદીજીએ લીધેલાં પાંચ વચનોમાંથી એક વચનને પૂર્ણ કરી રહ્યાં છે. આ ત્રણેય બિલમાં ફોજદારી ન્યાય પ્રણાલી માટે મૂળભૂત કાયદા છે. તેમણે કહ્યું કે આજે અમે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા, 1860, ક્રિમિનલ પ્રોસિજર કોડ, (1898), 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ, 1872ને નાબૂદ કરીને ત્રણ નવા કાયદા લાવ્યા છીએ. ભારતીય દંડ સંહિતા, 1860ના સ્થાને ભારતીય ન્યાય સંહિતા બિલ, 2023, ફોજદારી કાર્યરીતિ સંહિતા, 1898નું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિધેયક, 2023 લેશે અને ભારતીય પુરાવા અધિનિયમ, 1872નું સ્થાન ભારતીય સાક્ષ્ય બિલ, 2023 લેશે. આ ત્રણ કાયદાઓ જે બદલવામાં આવશે, તે બ્રિટિશ શાસનને મજબૂત અને રક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો હેતુ ન્યાય આપવાનો નહીં પણ સજા કરવાનો હતો. અમે આ બંને મૂળભૂત પાસાઓમાં પરિવર્તન લાવવા જઈ રહ્યા છીએ. આ ત્રણ નવા કાયદાઓનો આત્મા ભારતીય નાગરિકોને બંધારણે આપેલા તમામ અધિકારોનું રક્ષણ કરવાની રહેશે. જેનો ઉદ્દેશ્ય કોઈને સજા કરવાનો નહીં પરંતુ ન્યાય અપાવવાનો રહેશે અને આ પ્રક્રિયામાં જ્યાં ગુના અટકાવવાની ભાવના ઊભી કરવાની જરૂર હશે ત્યાં સજા આપવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ લોકસભાને ખાતરી આપી હતી કે, 1860થી 2023 સુધી ભારતની અપરાધિક ન્યાય પ્રણાલી બ્રિટિશ સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓના આધાર પર ચાલતી રહી, પરંતુ હવે આ ત્રણેય કાયદાઓને ભારતીય આત્માને આત્મસાત કરતા નવા કાયદાઓ સાથે બદલવામાં આવશે, જે આપણી ગુનાહિત ન્યાય પ્રણાલીમાં મોટો ફેરફાર લાવશે. તેમણે કહ્યું કે હાલના કાયદાઓમાં મહિલાઓ વિરુદ્ધ હત્યા અથવા ગુના જેવા જઘન્ય ગુનાઓ ખૂબ જ નીચે મૂકવામાં આવ્યા છે અને રાજદ્રોહ, લૂંટ અને સરકારના અધિકારી પર હુમલા જેવા ગુનાઓ આની ઉપર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે આ અભિગમને બદલી રહ્યા છીએ અને આ નવા કાયદાઓનું પહેલું પ્રકરણ મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર હશે. બીજું પ્રકરણ ખૂન/હત્યા અને માનવશરીર સાથેની ગુનાખોરી પર હશે. અમે શાસનને બદલે નાગરિકને કેન્દ્રમાં લાવવાનો ખૂબ જ સૈદ્ધાંતિક નિર્ણય લઈને આ કાયદો લાવ્યા છીએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ કાયદાઓ બનાવવામાં લાંબી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણને સૌને માર્ગદર્શન આપ્યું હતું કે, તમામ વિભાગોમાં અંગ્રેજોના સમયમાં બનેલા તમામ કાયદાઓની ચર્ચા અને સમીક્ષા વર્તમાન સમય અનુસાર અને ભારતીય સમાજનાં હિતમાં થવી જોઈએ. તેમણે કહ્યું કે આ કાયદાઓ બનાવવા માટે દરેક જગ્યાએ વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઑગસ્ટ 2019માં તેમણે સુપ્રીમ કૉર્ટના તમામ જજો, દેશની તમામ હાઈકૉર્ટ અને દેશની તમામ લૉ યુનિવર્સિટીના ચીફ જસ્ટિસને પત્રો લખ્યા હતા. વર્ષ 2020માં કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ સાંસદો, મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને વહીવટકર્તાઓને પત્રો લખવામાં આવ્યા હતા. વ્યાપક પરામર્શ બાદ આ પ્રક્રિયા કાયદો બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે 18 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, સુપ્રીમ કૉર્ટ, 16 હાઈકૉર્ટ, 5 ન્યાયિક એકેડેમી, 22 લૉ યુનિવર્સિટી, 142 સંસદ સભ્યો, લગભગ 270 ધારાસભ્યો અને જનતાએ આ નવા કાયદાઓ અંગે તેમનાં સૂચનો આપ્યાં છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, 4 વર્ષ સુધી આ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી અને તેઓ પોતે પણ 158 બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ, જે સીઆરપીસીનું સ્થાન લેશે, તેમાં હવે 533 કલમો હશે, 160 કલમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, 9 નવી કલમો ઉમેરવામાં આવી છે અને 9 કલમો રદ કરવામાં આવી છે. આઈપીસીનું સ્થાન લેનાર ભારતીય ન્યાય સંહિતા બિલમાં અગાઉની 511 કલમોને બદલે 356 કલમો હશે, 175 કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે, 8 નવી કલમો ઉમેરવામાં આવી છે અને 22 કલમો રદ કરવામાં આવી છે. પુરાવા અધિનિયમનું સ્થાન લેનાર ભારતીય સાક્ષ્ય વિધેયકમાં હવે અગાઉની 167ની જગ્યાએ 170 કલમો હશે, 23 કલમો બદલવામાં આવી છે, 1 નવી કલમ ઉમેરવામાં આવી છે અને 5 રદ કરવામાં આવી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ ત્રણ જૂના કાયદાઓ ગુલામીની નિશાનીઓથી ભરેલા હતા, તે બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા અને આપણે ફક્ત તેમને અપનાવ્યા હતા. આ કાયદાઓ યુનાઇટેડ કિંગડમની સંસદ, પ્રાંતીય કાયદાઓ, ક્રાઉન પ્રતિનિધિ દ્વારા અધિસૂચનાઓ, લંડન ગેઝેટ, જ્યુરી અને બૅરિસ્ટર્સ, લાહોર સરકાર, કોમનવેલ્થ ઠરાવો, યુનાઇટેડ કિંગડમ ઑફ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની સંસદનો ઉલ્લેખ કરે છે. આ કાયદાઓમાં મહારાણીના સંદર્ભો અને પ્રિવી કાઉન્સિલના સંદર્ભોનો સમાવેશ થાય છે, આ કાયદાઓ લંડન ગેઝેટમાં કોપીઝ એન્ડ એક્સટ્રેક્ટ્સ કન્ટેન્ટ અને બ્રિટિશ ક્રાઉનનો કબજો, કૉર્ટ ઑફ જસ્ટિસ ઇન ઇંગ્લેન્ડ પર આધારિત હતા અને આ કાયદાઓમાં ઘણા સ્થળોએ હર્ મેજેસ્ટીઝ ડોમિનિયન્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગુલામીનાની આ 475 નિશાનીને ખતમ કરીને અમે નવા કાયદા લાવ્યા છીએ. અમે નવા યુગને આ કાયદાઓ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. આપણી ફોજદારી ન્યાય પ્રણાલીમાં લાંબો સમય લાગે છે, ન્યાય એટલો મોડો મળે છે કે ન્યાયનો કોઈ અર્થ નથી, લોકો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે અને કૉર્ટનો સંપર્ક કરતા ડરે છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે, આ કાયદાઓમાં અત્યાધુનિક ટેક્નૉલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દસ્તાવેજોની વ્યાખ્યામાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ્સ, ઇ-મેઇલ, સર્વર લોગ, કમ્પ્યૂટર, સ્માર્ટ ફોન, લેપટોપ, એસએમએસ, વેબસાઇટ્સ, લોકેશનલ પુરાવા, મેઇલ અને સંદેશાઓનો સમાવેશ કરવા માટે વિસ્તૃત કરવામાં આવી છે, જે ઉપકરણો પર ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ અદાલતોમાં થઈ શકે છે, જે કાગળોના ઢગલામાંથી મુક્તિ આપશે. તેમણે કહ્યું કે આ કાયદામાં એફઆઈઆરથી લઈને કેસ ડાયરી, કેસ ડાયરીથી લઈને ચાર્જશીટ અને ચાર્જશીટથી લઈને જજમેન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયાને ડિજિટાઈઝ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. હાલ કૉર્ટમાં આરોપીઓની હાજરી માત્ર વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જ થઈ શકે છે, પરંતુ હવે ક્રોસ પૂછપરછ સહિતની સમગ્ર સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. ફરિયાદી અને સાક્ષીઓની તપાસ, ટ્રાયલ અને હાઈકૉર્ટની સુનાવણીમાં પુરાવાની તપાસ અને રેકોર્ડિંગ અને સમગ્ર અપીલ કાર્યવાહી હવે ડિજિટલ રીતે શક્ય બનશે. અમે આ વિષય પર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને દેશભરના વિદ્વાનો અને તકનીકી નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી તે બનાવ્યું છે. અમે શોધ અને જપ્તી સમયે વીડિયોગ્રાફી ફરજિયાત કરી છે, જે આ કેસનો ભાગ હશે અને આ નિર્દોષ નાગરિકોને ફસાવવાથી બચાવશે. પોલીસ દ્વારા આવા રેકોર્ડિંગ વિના કોઈ પણ ચાર્જશીટ માન્ય રહેશે નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આઝાદીનાં 75 વર્ષ પછી પણ આપણો દોષિત ઠરવાનો દર ખૂબ જ ઓછો છે, એટલા માટે અમે ફોરેન્સિક સાયન્સને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ત્રણ વર્ષ બાદ દેશને દર વર્ષે 33,000 ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ અને વૈજ્ઞાનિકો મળશે. આ કાયદામાં, અમે દોષિત ઠેરવવાના ગુણોત્તરને 90 ટકાથી ઉપર લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે એક મહત્વની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં 7 વર્ષ કે તેથી વધુ સમય માટે સજાને પાત્ર ગુનાઓ માટે ગુનાનાં સ્થળે ફોરેન્સિક ટીમની મુલાકાત ફરજિયાત કરવામાં આવશે. આના દ્વારા પોલીસ પાસે વૈજ્ઞાનિક પુરાવા હશે, જે બાદ કૉર્ટમાં દોષીતોને નિર્દોષ છોડી મુકવાની શક્યતાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. અમે વર્ષ 2027 પહેલા દેશની તમામ અદાલતોનું કમ્પ્યૂટરીકરણ કરીશું. તેવી જ રીતે મોબાઇલ ફોરેન્સિક વાનનો પણ અનુભવ થયો છે. દિલ્હીમાં અમે એક સફળ પ્રયોગ કર્યો છે કે એફએસએલની ટીમ 7 વર્ષથી વધુની સજાની જોગવાઈ સાથે કોઇ પણ ગુનાના સ્થળની મુલાકાત લે છે. આ માટે અમે મોબાઇલ એફએસએલનો કૉન્સેપ્ટ લૉન્ચ કર્યો છે જે એક સફળ કૉન્સેપ્ટ છે અને દરેક જિલ્લામાં 3 મોબાઇલ એફએસએલ હશે અને ક્રાઇમ સીન પર જશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદીનાં 75 વર્ષ પછી સૌપ્રથમ વાર અમે નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે ઝીરો એફઆઇઆર શરૂ કરી છે. જ્યાં પણ ગુનો થયો હશે ત્યાં નાગરિકો તેમનાં પોલીસ સ્ટેશન વિસ્તારની બહાર પણ ફરિયાદ નોંધાવી શકશે. ગુનો નોંધાયાના 15 દિવસની અંદર તેને સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલવાનું રહેશે. અમે પહેલી વાર ઈ-એફઆઈઆરની જોગવાઈ ઉમેરી રહ્યા છીએ. દરેક જિલ્લા અને પોલીસ સ્ટેશન એક પોલીસ અધિકારીને નિયુક્ત કરશે, જે ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવારને ઓનલાઇન અને રૂબરૂમાં ધરપકડ વિશે જાણ કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જાતીય હિંસાના કેસમાં પીડિતાનું નિવેદન ફરજિયાત કરવામાં આવ્યું છે અને જાતીય સતામણીના કિસ્સામાં નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ ફરિયાદકર્તાને 90 દિવસમાં અને ત્યારબાદ દર 15 દિવસમાં ફરિયાદની સ્થિતિ આપવી ફરજિયાત રહેશે. પીડિતને સાંભળ્યા વગર કોઈ પણ સરકાર 7 વર્ષ કે તેથી વધુની કેદનો કેસ પાછો ખેંચી શકશે નહીં, આનાથી નાગરિકોના અધિકારોનું રક્ષણ થશે. આ કાયદા હેઠળ, પ્રથમ વખત, અમે સજા તરીકે સામુદાયિક સેવા લાવી રહ્યા છીએ. નાના કેસોમાં સમરી ટ્રાયલનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે, હવે 3 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાઓને સમરી ટ્રાયલમાં સામેલ કરવામાં આવશે, આ જોગવાઈ સાથે જ સેશન્સ કૉર્ટમાં 40 ટકાથી વધુ કેસ સમાપ્ત થઈ જશે. ચાર્જશીટ ફાઇલ કરવા માટે 90 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને પરિસ્થિતિના આધારે કોર્ટ વધુ 90 દિવસ માટે પરવાનગી આપી શકશે. આ રીતે 180 દિવસની અંદર તપાસ પૂરી કરવાની રહેશે અને ટ્રાયલ માટે મોકલવામાં આવશે. અદાલતો હવે 60 દિવસની અંદર આરોપી વ્યક્તિને આરોપો ઘડવાની નોટિસ આપવા માટે બંધાયેલી રહેશે. માનનીય ન્યાયાધીશે દલીલ પૂર્ણ થયાના 30 દિવસની અંદર નિર્ણય આપવાનો રહેશે, આ નિર્ણય વર્ષો સુધી પેન્ડિંગ નહીં રાખે, અને નિર્ણય 7 દિવસની અંદર ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાનો રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે સરકારે સનદી અધિકારી કે પોલીસ અધિકારી સામે 120 દિવસની અંદર ટ્રાયલની પરવાનગી પર નિર્ણય લેવાનો રહેશે, નહીં તો તેને ડીમ્ડ પરમિશન માનીને ટ્રાયલ શરૂ કરવામાં આવશે. અમે વધુ એક મોટું ક્રાંતિકારી પરિવર્તન કર્યું છે, એસપી જે હાલમાં કામ કરી રહ્યા છે, તે જ ફાઇલ જોઇને જુબાની આપશે, અગાઉ સંબંધિત અધિકારીને આવવાની જરૂર નહોતી, જે ઝડપથી જુબાની આપશે અને ન્યાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. આ ઉપરાંત અમે જાહેર થયેલા ગુનેગારોની મિલકત ટાંચમાં લેવાની પણ જોગવાઈ લાવ્યા છીએ. અમે આ કાયદામાં આંતરરાજ્ય ગેંગ અને સંગઠિત ગુનાઓ સામે વિવિધ પ્રકારની કઠોર સજાની નવી જોગવાઈ પણ ઉમેરી રહ્યા છીએ. અમે મહિલાઓ સામેના ગુના અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવા માટે ઘણી જોગવાઈઓ પણ કરી છે. લગ્ન, રોજગાર અને બઢતીનાં ખોટાં વચનોના આધારે અને ખોટી ઓળખના આધારે જાતીય સંભોગને અપરાધિક સ્વરૂપ આપવાની જોગવાઈ પ્રથમ વખત કરવામાં આવી છે. ગૅંગરેપના તમામ કેસોમાં 20 વર્ષની સજા કે આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે, જેનો અમલ થઈ રહ્યો નથી. 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના કિસ્સામાં મૃત્યુદંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે. મોબ લિન્ચિંગ માટે ત્રણેય જોગવાઈઓ 7 વર્ષની કેદ,  આજીવન કેદ અને મૃત્યુદંડની સજા રાખવામાં આવી છે. મહિલાઓ પાસેથી મોબાઈલ ફોન કે ચેઈન સ્નેચિંગ અંગેની કોઈ જોગવાઈ ન હતી, પરંતુ હવે તે માટેની જોગવાઈ રાખવામાં આવી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગંભીર ઈજાના કેસમાં અને નજીવી ઇજાના 7 વર્ષની સજાની જોગવાઈ હતી, અમે બંનેને અલગ કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે, કાયમી અપંગતા કે બ્રેઇન ડેડના કિસ્સામાં 10 વર્ષની સજા કે આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. બાળકો સામેના ગુનાઓની સજા 7 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે. ઘણા ગુનાઓમાં દંડની રકમ વધારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કસ્ટડીમાંથી ભાગી જનારા ગુનેગારોને 10  વર્ષની કેદની સજાની જોગવાઈ પણ છે. રાજકીય લાભ માટે સજામાંથી માફીનો ઉપયોગ કરવાના ઘણા કિસ્સા બન્યા હતા, હવે મૃત્યુદંડને બદલીને આજીવન કેદ, આજીવન કેદની સજા ઓછામાં ઓછી 7 વર્ષ અને 7 વર્ષની ઓછામાં ઓછી 3 વર્ષ કરી શકાય છે, કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મોદી સરકાર દેશદ્રોહને સંપૂર્ણપણે ખતમ કરવા જઈ રહી છે કારણ કે ભારતમાં લોકતંત્ર છે અને દરેકને બોલવાનો અધિકાર છે. પહેલા આતંકવાદની કોઈ વ્યાખ્યા નહોતી, પરંતુ હવે ભાગલા, સશસ્ત્ર વિદ્રોહ, વિધ્વંસક પ્રવૃત્તિઓ, અલગતાવાદ, ભારતની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને પડકારતા જેવા ગુનાઓને આ કાયદામાં પ્રથમ વખત વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે અને આ ગુનાઓ સાથે સંબંધિત લોકોની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કૉર્ટ તપાસ કરનાર પોલીસ અધિકારીની સંજ્ઞાન પર આ આદેશ આપશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે ગેરહાજરીમાં સુનાવણી સાથે સંબંધિત ઐતિહાસિક નિર્ણય લીધો છે. સેશન્સ કૉર્ટના જજ, યોગ્ય પ્રક્રિયા પછી, ભાગેડુ જાહેર કરાયેલી વ્યક્તિને ગેરહાજરીમાં સજા કરવાનો પ્રયાસ કરશે, પછી ભલે તે વિશ્વમાં ગમે તે જગ્યાએ છુપાયેલો હોય. સજા સામે અપીલ કરવા માટે તેણે ભારતીય કાયદા અને કૉર્ટનો આશ્રય હશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પોલીસ સ્ટેશનોમાં મોટી સંખ્યામાં કેસ પ્રોપર્ટીઓ પડી છે, તેનો વીડિયોગ્રાફી દ્વારા નિકાલ કરી વેરિફાઇડ કોપી કૉર્ટમાં રજૂ કરી શકાય છે. તેમણે કહ્યું કે આ કાયદામાં કુલ 313 ફેરફાર કરવામાં આવ્યા છે જેનાથી આપણી અપરાધિક ન્યાય વ્યવસ્થામાં વ્યાપક પરિવર્તન આવશે અને વધુમાં વધુ 3 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ ન્યાય મેળવી શકશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ કાયદામાં મહિલાઓ અને બાળકોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે, ગુનેગારોને સજા થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે અને પોલીસ તેમની સત્તાનો દુરુપયોગ ન કરે તે માટે પણ આવી જોગવાઈઓ કરવામાં આવી છે. એક તરફ રાજદ્રોહ જેવા કાયદા રદ કરવામાં આવ્યા છે તો બીજી તરફ છેતરપિંડી દ્વારા મહિલાઓનું શોષણ કરવા અને મોબ લિન્ચિંગ જેવા જઘન્ય અપરાધો બદલ સજાની જોગવાઈ અને સંગઠિત અપરાધો અને આતંકવાદ પર કડક કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More