ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
સામાન્ય રીતે કુતરા અને બિલાડી જેવા પ્રાણીઓ વધુ લોકોને પ્રિય હોય છે. આ પ્રાણીઓને લોકો ઘરમાં પાળવાનું પસંદ કરે છે. બીજી બાજુ રખડતા કૂતરા અને બિલાડીઓની સંખ્યા પણ દેશમાં વધુ છે. કૂતરા અને બિલાડી જેવા પાલતુ પ્રાણીઓની સંભાળ માટે દેશમાં ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે. કલાકારો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવા માટે સતત અપીલ કરી રહ્યા છે, પરંતુ રખડતા પ્રાણીઓની વધતી સંખ્યાને કારણે ભારતને 'ઓલ પેટ્સ વોન્ટેડ' ઈન્ડેક્સમાં ઓછા માર્ક્સ મળ્યા છે. ભારતમાં લગભગ 6.2 કરોડ રખડતા કૂતરા અને 91 લાખ રખડતી બિલાડીઓ છે.
રિપોર્ટ 'ધ સ્ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સ'માં ભારતમાં રખડતા કૂતરાઓની વધતી સંખ્યા જાહેર થઈ છે. ભારત 'ઓલ પેટ્સ વોન્ટેડ' ઈન્ડેક્સમાં 10 માંથી માત્ર 2.4 માર્ક જ મેળવી શક્યું છે. દેશમાં અંદાજે 7 કરોડ રખડતા કૂતરા અને બિલાડીઓ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતના 85% પાલતુ પ્રાણીઓ તેમના માલિકો દ્વારા ત્યજી દેવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિ ચિંતાજનક છે.
ઉપરાંત ચીનમાં 75 લાખ રખડતા કૂતરા છે. જ્યારે અમેરિકામાં 48 લાખ, જર્મનીમાં 2.06 કરોડ ગ્રીસમાં 20 લાખ અને બ્રિટનમાં 11 લાખ રખડતા કૂતરા છે. આ બધા આંકડાની સરખામણીમાં ભારતમાં રખડતા કૂતરાઓની સંખ્યા વધારે છે.