ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
પશ્ચિમ બંગાળના સાંસદ અને અને તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા નુસરત જહાંનાં લગ્નનો કેસ હવે લોકસભા સુધી પહોંચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંઘમિત્રા મૌર્યાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને નુસરત જહાંની લોકસભાની સભ્યતા રદ્દ કરવાની માગ કરી છે.
સંઘમિત્રા મૌર્યએ પત્રમાં કહ્યું છે કે “નુસરત જહાંનું આચરણ અવિવેકી છે, લગ્નને લઈને તેમણે પોતાના મતદારોને અંધારામાં રાખ્યાં છે, ઉપરાંત સંસદની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. આ મામલો સંસદની એથિક્સ સમિતિને મોકલવો જોઈએ અને તપાસ હાથ ધરી નુસરત જહાં પર કાર્યવાહી કરવી જોઈએ.”
ઉલ્લેખનીય છે કે નુસરત જહાંનાં લગ્ન શરૂઆતથી જ વિવાદોમાં રહ્યાં છે. નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં ત્યારે બંગાળના મૌલાનાઓએ તેમની સામે ફતવો બહાર પાડ્યો હતો. ઉપરાંત જ્યારે તે સંસદમાં સિંદૂર લગાવી પહોંચી હતી ત્યારે પણ વિવાદ થયો હતો. તાજેતરમાં બંને વચ્ચે મનમેળ ન હોવાની ચર્ચા ચાલી રહી છે. નુસરત જહાં ગર્ભવતી છે, એમ પણ અહેવાલો સૂચવે છે.