ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ હિંસામાં લગભગ એક લાખ લોકોના પલાયનની સુનાવણી મંગળવારે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. ન્યાયમૂર્તિ વિનીત શરણ અને ન્યાયાધીશ બી.આર. ગવાઈની હૉલિડે બેન્ચે અરજદારના ઍડ્વોકેટ આનંદની માગ પર રાષ્ટ્રીય મહિલા પંચ અને એસસી/એસટી કમિશનને પણ પક્ષકાર બનાવવાની મંજૂરી આપી દીધી છે. હવે આ મામલે આગામી સુનાવણી 7 જૂને થશે.
અરજીમાં એસઆઈટી દ્વારા કેસની તપાસ અને સ્થળાંતરનો ભોગ બનેલા લોકોના પુનર્વસનની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પોલીસ તંત્ર કામ કરી રહ્યું નથી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં સમાજસેવકો અને પીડિત પરિવારો વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય પ્રાયોજિત હિંસાને કારણે પશ્ચિમ બંગાળમાં લોકોનું સ્થળાંતર ગંભીર માનવતાવાદી મુદ્દો છે. આ લોકોના અસ્તિત્વની વાત છે. આ લોકોને દયનીય પરિસ્થિતિઓમાં જીવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જે ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે બંધારણની કલમ – ૩૫૫ અંતર્ગત પોતાની ફરજો નિભાવતા રાજ્યને આંતરિક અશાંતિથી બચાવવું જોઈએ. મહિલાઓના યૌન શોષણના આરોપમાં અલગથી તપાસની માગ પણ અરજીમાં કરવામાં આવી છે. આ જ કેસમાં સોમવારે પૂર્વ અધિકારીઓએ રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ આપ્યું હતું અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા તપાસની માગ કરી હતી.