ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ચાલી રહેલા આંદોલન સામે છેવટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને ઝૂકવું પડ્યું છે. જોકે આ પહેલી વખત નથી જ્યારે મોદીને ખેડૂતો સામે હાર માનવી પડી હોય. આ પહેલા પણ કેન્દ્ર સરકારને જમીન સંપાદના કાયદામાં પીછેહઠ કરવી પડી હતી.
ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. મોદીએ કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે, છતાં રાકેશ ટિકૈતે આંદોલન સમેટી લેવાનો ઇનકાર કર્યો છે. જયાં સુધી સંસદમાં તેની જાહેરાત કરવામાં આવતી નથી ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે એવી ચેતવણી ખેડૂતોએ આપી છે. જોકે હાલ કૃષિ કાયદાને પાછા ખેંચવાની મોદીને જાહેરાતને ખેડૂતો પોતાનો વિજય ગણાવી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રહેલી સરકારને પાછા પરોઠના પગલાં ભરવા પડ્યા હોય એવો આ પહેલો પ્રસંગ નથી. મોદીના નેતૃત્વમાં સત્તા પર આવવાના થોડા મહિનામાં જ કેન્દ્ર સરકાર જમીન સંપાદનનો અધ્યાદેશ લાવી હતી. જેમાં જમીન સંપાદન સરળ કરાવવા માટે ખેડૂતોની મંજૂરીની જોગવાઈ રદ કરવામા આવી હતી. જમીન સંપાદન માટે 80 ટકા ખેડૂતોની સંમતિ આવશ્યક હોય છે પણ નવા અધ્યાદેશમાં તે રદ કરવામાં આવી હતી. ખેડૂતોએ તેની સામે ભારે વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષે પણ આ મુદ્દાને બરોબરનો ચગાવ્યો હતો. તેથી સંસદમાં ચાર વખત બિલ લાવવામાં આવ્યું હતું. પરંતુ તે મંજૂર થઈ શકયું નહોતું. છેવટે 31 ઓગસ્ટ 2015ના ભાજપની સરકારને તેને પાછો ખેંચવો પડયો હતો.