ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
બુધવાર
ભારતરત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક ઍવૉર્ડ છે. બધા ભારતરત્નથી સન્માનિત ઍર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં આજીવન મફત હવાઈ મુસાફરીના હકદાર છે અને એ પણ સર્વોચ્ચ વર્ગમાં. એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસે RTI ફાઈલ કરી ઍર ઇન્ડિયાને આ અંગે સવાલ પૂછ્યો હતો કે આ સ્કીમ ક્યારથી શરૂ કરવામાં આવી? અમર્ત્ય સેને કેટલી વાર આ લાભ મેળવ્યો છે? અને તેમના આ નિ:શુલ્ક પ્રવાસનું નાણાકીય મૂલ્ય કેટલું છે?
RTIના જવાબમાં ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ભારતરત્નથી સન્માનિત લોકોને નિ:શુલ્ક હવાઈ પ્રવાસની યોજના ૨૦૦૩માં શરૂ કરવામાં આવી હતી. એ સમયે અટલ બિહારી વાજપાયી વડા પ્રધાનપદ પર હતા. અમર્ત્ય સેન વિશે, ઍર ઇન્ડિયાએ મીડિયા હાઉસે કરેલી RTIના જવાબમાં કહ્યું હતું કે તેમણે 2015થી લઈને 2019 સુધી 21 વખત આ સુવિધાનો લાભ લીધો છે. ઍરલાઇન્સે જણાવ્યું હતું કે "તેમના પ્રવાસના નાણાકીય મૂલ્યની આકારણી કરી શકાતી નથી, કારણ કે મુસાફરીના સમય અને તારીખ પરના ભાડાની માહિતી ઉપલબ્ધ નથી.”
ઉલ્લેખનીય છે કે ભારતરત્ન આજ સુધીમાં 48 લોકોને આપવામાં આવ્યો છે. પ્રોફેસર અમર્ત્ય સેન સિવાય ફક્ત ત્રણ અન્ય ભારતરત્નથી સન્માનિત વ્યક્તિઓ છે જે હજી જીવંત છે – લતા મંગેશકર (2001), સચિન તેંડુલકર (2014) અને પ્રોફેસર સી. એન. આર. રાવ (2014).