ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
દેશમાં પુરજોશમાં ચાલી રહેલું રસીકરણ અભિયાન રસીની અછતને કારણે હાલ ધીમું પડ્યું છે. એવામાં એક રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં હવે રશિયાની વેક્સિન સ્પુતનિક વી રસીનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને ભારતીય દવા કંપની પેનાસીઆ બાયોટેકે સોમવારે ભારતમાં સ્પુતનિક વી રસીનું ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરી છે.
હિમાચલ પ્રદેશના બડ્ડી ખાતે પેનાસીઆ બાયોટેકમાં ઉત્પાદન બાદ રસીનો પ્રથમ બૅચ ગુણવત્તા નિયંત્રણ માટે રશિયાના ગમલૈયા સેન્ટરમાં મોકલવામાં આવશે. RDIF અને પેનાસીઆ બાયોટેકે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉનાળામાં રસીનું પૂર્ણઉત્પાદન શરૂ થવાની ધારણા છે. એપ્રિલમાં જાહેર કરાયા મુજબ RDIF અને પેનાસીઆ સ્પુતનિક વીના દરવર્ષે એક કરોડ ડોઝ તૈયાર કરવા સહમત થયા છે.
ઉલ્લેખનીય છે કે સ્પુતનિક વી રસીને ભારતમાં કટોકટી ઉપયોગની અધિકૃતતા પ્રક્રિયા હેઠળ ૧૨ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સ્વીકૃતિ આપવામાં આવી હતી અને રશિયન રસી સાથે કોરોના વાયરસ સામે રસીકરણ ૧૪ મેથી શરૂ થયું હતું.
Join Our WhatsApp Community