ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
રામ મંદિર ટ્રસ્ટને જમીન વેચનારા સુલતાન અંસારીએ અયોધ્યામાં રામ મંદિર માટે જમીનના સોદામાં કોઈપણ ગેરરીતિને નકારી કાઢી છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં અંસારીએ કહ્યું કે વિપક્ષ પાસે ખોટી માહિતી છે અને સોદા પર હસ્તાક્ષર કરતી વખતે તમામ કાનૂની કાર્યવાહીઓનું પાલન કરવામાં આવ્યું હતું.
અંસારીએ સમજાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં સોદો કરતાં પહેલાં ૨૦૧૧માં સૌપ્રથમ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનું વર્ષ 2014 અને 2019માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અંસારીએ આ મીડિયા હાઉસને જણાવ્યું હતું કે તેણે બજારના ભાવથી નીચે પ્લૉટ વેચી દીધો હતો, કારણ કે આ સોદો એક જ સમયે સાઇન થયો હતો અને એ રામ મંદિર સંબંધિત છે. અંસારી અગાઉ સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલો હતો, પરંતુ હવે તેના પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.
ઉલ્લેખનીય છે કે અંસારીએ આ પ્રૉપર્ટી કુસુમ પાઠક પાસેથી ૨૦૧૯માં બે કરોડના ભાવે ખરીદી હતી અને ૫૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને બાકીના પૈસા ચૂકવવા માટે ત્રણ વર્ષની સમયસીમા નક્કી કરવામાં આવી હતી. ત્યાર બાદ રામ મંદિર કેસનો ચુકાદો આવતાં આ પ્રૉપર્ટીના ભાવ વધી ગયા હતા. હવે રામ મંદિર ટ્રસ્ટે આ જમીન ખરીદતાં અંસારીએ બાકીના પૈસા ચૂકવી પ્રૉપર્ટી પોતાના નામે કરી અને એ જ દિવસે રામ મંદિર ટ્રસ્ટ સાથે ૧૮.૫ કરોડનો સોદો નક્કી કર્યો હતો.