ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડના બારમા ધોરણના વિદ્યાર્થીઓએ પરિણામ માટે થોડી રાહ જોવી પડશે, એવા સંકેત મળ્યા છે. પરિણામ ૩૧ જુલાઈ, ૨૦૨૧ને બદલે ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં જાહેર થશે, એવી માહિતી બોર્ડના ખાનગી સૂત્રોએ એક મીડિયા હાઉસને આપી હતી. જોકેસર્વોચ્ચ ન્યાયાલયે રાજ્ય બોર્ડને બારમા ધોરણનું પરિણામ ૩૧ જુલાઈ પહેલાં જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.
રાજ્યમાં કોકણ સહિત બીજા કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ થતાં ઉપરાંત શિક્ષકોને કામ પૂરું કરવા માટે અપાયેલા મુદતવધારાને કારણે આ વિલંબ થઈ શકે છે. એને પગલે હવે પરિણામઑગસ્ટના પહેલા અઠવાડિયામાં જ જાહેર થશે એમ આ મીડિયા હાઉસના અહેવાલમાં જણાવાયું છે. રિઝલ્ટનું કામકાજ ૯૯%થી વધુ પૂરું થઈ ગયું છે. છતાં કયા કારણસર વિલંબ થશે એ બાબતે ગડમથલ છે.
ઉલ્લેખનીય છે કે દસમા ધોરણના પરિણામને દિવસે વેબસાઇટ લાંબો સમય સુધી ખોડંગાતાં શિક્ષણ વિભાગની ફજેતી થઈ હતી. હવે આ વખતે આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એ માટે પહેલેથી સતર્ક છે અને પ્રત્યેક બાબતનો ફીડબૅક લેવાઈ રહ્યા છે. ઉપરાંત પર્યાય વ્યવસ્થા પણ તૈયાર રખાશે એમ એજ્યુકેશન કમિશનરે મીડિયાને જણાવ્યું હતું.