ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ફરી એકવાર ભારતનો ખોટો નકશો બતાવ્યો છે. એની વેબસાઇટ પર ટ્વિટર દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જુદા-જુદા દેશો તરીકે દર્શાવતો વિશ્વ નકશો બતાવાયો છે. એટલે કે ટ્વિટર મુજબ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો ભાગ નથી. છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકાર અને ટ્વિટર વિરુદ્ધ અનેક પ્રકારના વિવાદ ચાલી રહ્યા છે.
હવે ટ્વિટર પર ભારતનો ખોટો નકશો બતાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એક ટ્વિટર યુઝરે આ મુદ્દો ઉઠાવ્યો છે. ટ્વિટરના કરિયર પેજ પર જે નકશો દેખાય છે. એમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતથી અલગ જોવા મળે છે. ત્યારબાદઘણા નાગરિકોએ વિવિધ સરકારી હૅન્ડલ્સને ટેગ કરીને આ મુદ્દા તરફ ધ્યાન દોર્યું છે. ઉપરાંત ગયા વર્ષે પણ ટ્વિટરે ભારતના નકશા સાથે ચેડાં કર્યાં હતાં.
સરકારી સૂત્રોએ એક મીડિયા હાઉસને જણાવ્યા મુજબ ટ્વિટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલાં12 નવેમ્બરના રોજ સરકારે કેન્દ્ર શાસિત લદ્દાખને બદલે લેહને જમ્મુ-કાશ્મીરના ભાગ રૂપે બતાવવા માટે ટ્વિટરને નોટિસ ફટકારી હતી.
વેક્સિનેશન મામલે USથી આગળ નીકળ્યું ભારત, અત્યાર સુધીમાં અધધ આટલા કરોડ ડોઝ અપાયા ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે સમાચાર લખાય છે ત્યાં સુધી ભારત સરકાર દ્વારા કોઈ નોટિસ મોકલવામાં આવી નથી. જો સરકાર ટ્વિટરને નોટિસ મોકલે અને ટ્વિટર સુધારો નહીં કરે તો ITઍક્ટની કલમ 69-A હેઠળ ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.