ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
દેશમાં રસીકરણની ગતિ ઘીમી થઈ છે, એવામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. સિરમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે એક હેલ્થ પ્લૅટફૉર્મ તરફથી આયોજિત વર્ચ્યુઅલ સેમિનારમાં કહ્યું કે કેન્દ્ર સરકારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન-WHO)ની ગાઇડલાઇનને અને વેક્સિનના પુરવઠાનું આકલન કર્યા વગર જ વેક્સિનેશનનો વિસ્તાર વધાર્યો છે.
દેશમાં અનેક જગ્યાએથી વેક્સિનની અછત હોવાની વાત સંભળાય છે. એનો જવાબ જાધવે આપ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “સરકારે તૈયારી વગર જ એકસાથે બે વયજૂથનું વેક્સિનેશન શરૂ કરી દીધું. સરકારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપેલી ગાઇડલાઇન મુજબ ચાલીને જ વેક્સિનેશનમાં લોકોને પ્રાથમિકતા આપવી જોઈતી હતી. શરૂઆતમાં 30 કરોડ લોકોને વેક્સિન આપવા માટે 60 કરોડ ડોઝની જરૂર હતી.” આ ટાર્ગેટ સુધી કંપની પહોંચે એ પહેલાં જ સરકારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોની સાથોસાથ18થી 44 વયજૂથના લોકોનો વેક્સિનેશન કાર્યક્રમ પણ શરૂ કરી દીધો. એવો આરોપ જાધવે લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૦ દિવસમાં દેશમાં રસીકરણની ગતિ અત્યંત ધીમી પડી છે અને રસીકરણ ૫૦ ટકા જેટલું ઘટી ગયું છે. જાધવે વાતને વિરામ આપતાં કહ્યું હતું કે રસી લીધા બાદ પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. એથી રસી લીધા બાદ પણ કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.