ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
દેશમાં હાલ રસીકરણ ત્રીજા તબક્કામાં છે, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો રસી લેવાને પાત્ર છે, પરંતુ રસીની અછતને કારણે ઘણી જગ્યાએ 18-44 વર્ષના લોકોને રસી આપવાનો પ્લાન માંડી વળાયો છે અથવા તો સ્લૉટ મેળવવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે એક રિપૉર્ટમાં માહિતી મળી છે કે દેશમાં છેલ્લા 40 દિવસમાં રસીકરણમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. અપ્રિલ મહિના કરતાં મે મહિનામાં રસીકરણ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે. COVID19India.orgના આંકડાઓ અનુસાર એપ્રિલમાં સંક્રમણ વધુ હતું ત્યારે રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું હતું. ૧૦ એપ્રિલે દેશમાં સૌથી વધુ ૩૬,૫૯,૩૫૬ ડોઝ આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ દરરોજ અપાતા ડોઝની સંખ્યા ઘટતી રહી છે. 21મી મેના રોજ માત્ર ૧૭,૯૭,૨૭૪ રસીના ડોઝ જ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં દરરોજ સરેરાશ ૩૦ લાખથી વધુ ડોઝ અપાતા હતા, ત્યારે મે મહિનામાં આ આંકડો માત્ર ૧૬ લાખની ઉપર છે. એપ્રિલમાં લગભગ નવકરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. તેની સામે મે મહિનામાં 20 દિવસ સુધીમાં માત્ર ચાર કરોડ રસીના ડોઝ જ આપવામાં આવ્યા છે.