News Continuous Bureau | Mumbai
Waqf Act: વક્ફ (સુધારા) અધિનિયમ, 2025ના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો વચગાળાનો ચુકાદો આપ્યો. આ નિર્ણય આવતાની સાથે જ મુસ્લિમ પક્ષના વકીલોએ તેને પોતાની જીત ગણાવી હતી. જોકે, જ્યારે આખો ચુકાદો વાંચવામાં આવ્યો, ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીહની બે સભ્યોની ખંડપીઠે વક્ફ કાયદા પર સંપૂર્ણ રોક લગાવી નથી, પરંતુ તેના કેટલાક ચોક્કસ નિયમો પર વચગાળાનું સંરક્ષણ (interim protection) આપ્યું છે.
મુસ્લિમ પક્ષની ખુશી ક્ષણિક સાબિત થઈ
શરૂઆતમાં, જમિયત ઉલેમા-એ-હિંદના મૌલાના અરશદ મદનીથી લઈને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, શિયા મૌલાના કલ્બે જવાદ અને કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢી સહિત અનેક મુસ્લિમ સંગઠનો અને ઉલેમાઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમણે આ પગલાને મુસ્લિમ સંપત્તિઓ પર સરકારી હસ્તક્ષેપ રોકવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. જોકે, સાંજે 128 પાનાનો આખો ચુકાદો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ થતા જ પરિસ્થિતિ પલટાઈ ગઈ. મુસ્લિમ પક્ષકારોની ખુશી ફિક્કી પડી ગઈ અને જે નિર્ણયને તેઓ સવારે પોતાની જીત માનતા હતા, હવે તેને જ પોતાના વિરુદ્ધનો ગણાવવા લાગ્યા.
આ સમાચાર પણ વાંચો : Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
વકીલોએ સ્વીકારી ભૂલ
Waqf Act: મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એક વકીલ એમ.આર. શમશાદે જણાવ્યું કે ચુકાદો સાંભળતી વખતે તેમને લાગ્યું કે કોર્ટે કાયદાની અમુક કલમો પર રોક લગાવી દીધી છે. તેના આધારે જ તેમણે શરૂઆતની પ્રતિક્રિયાઓ આપી હતી. જોકે, આખો ચુકાદો વાંચ્યા બાદ તેમને સમજાયું કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તેમણે કહ્યું કે, “ચુકાદામાં શરૂઆતમાં એવું લાગ્યું કે કલેક્ટરની સત્તાઓ પર રોક લગાવવામાં આવી છે, જે આવકારદાયક છે. પરંતુ જ્યારે અમે સંપૂર્ણ ચુકાદો વાંચ્યો, ત્યારે તેમાં લખેલી વાતો અમને ચિંતાજનક લાગી.” શમશાદે કહ્યું કે ASI સર્વેક્ષણ હેઠળ વક્ફ સંપત્તિઓને બિન-વક્ફ બનાવવાની વાત થઈ હતી, તેના પર કોર્ટે કોઈ રોક લગાવી નથી, જે એક ચિંતાનો વિષય છે.
ઓવૈસીએ કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલ
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ શરૂઆતમાં કોર્ટના નિર્ણયને આવકાર્યો, પરંતુ આખો ચુકાદો વાંચ્યા બાદ તેમણે કહ્યું કે આ વચગાળાનો આદેશ પણ વક્ફ સંપત્તિઓનું રક્ષણ કરી શકશે નહીં. ઓવૈસીએ કહ્યું કે આ કાયદો અતિક્રમણકારોને લાભ પહોંચાડશે અને વક્ફ જમીન પર વિકાસના કાર્યો અટકી જશે.ઓવૈસીએ વધુમાં કહ્યું કે, કલેક્ટર પાસે હજુ પણ સર્વેક્ષણ કરવાનો અધિકાર છે. તેમણે CEOની નિમણૂકમાં બિન-મુસ્લિમની નિમણૂક પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ અનુચ્છેદ 26નું ઉલ્લંઘન છે. તેમણે આ પ્રકારના નિયમોને ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધના ગણાવીને ભાજપ પાસેથી આ અંગે સ્પષ્ટતા માંગી.