ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે અચાનક સેન્ટ્રલ વિસ્ટાની બાંધકામ સાઈટ પર પહોંચ્યા હતા. જ્યા તેમણે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ. પીએમ મોદી લગભગ 8.45 વાગ્યે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણ સ્થળ પર પહોંચ્યા હતા. આ અગાઉ તેઓ અમેરિકાથી આવ્યા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ તેઓ સીધા જ સેન્ટ્રલ વિસ્ટાની બાંધકામ સાઈટ પર આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, તેમણે બાંધકામ સ્થળે લગભગ 1 કલાક વિતાવ્યો હતો અને પોતે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યોનું જાત નિરીક્ષણ કર્યુ હતુ. આ દરમિયાન, તે સાઇટ પર કામદારો સાથે વાતચીત પણ કરી હતી. સાથે જ તેમણે બાંધકામ સાઈટ પર પહેરવામાં આવતું હેલમેટ પણ માથા પર પહેર્યુ હતુ. રાજધાની દિલ્હીમાં તૈયાર થઈ રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદનું નિર્માણ થઈ રહ્યું છે.

મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધીનો છઠ્ઠો રૂટ આ સમય સુધીમાં કાર્યરત થશે. જાણો વિગત.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ, એક નવું સંસદ ભવન અને એક નવું રહેણાંક સંકુલ બાંધવામાં આવનાર છે, જેમાં પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનો, તેમજ અનેક નવી ઓફિસ ઇમારતો અને મંત્રાલયોની કચેરીઓ માટે કેન્દ્રીય સચિવાલયનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 3 કિમીના વિસ્તારનું પુનર્વસન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટની કિંમત લગભગ 20,000 કરોડ રૂપિયા છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સંસદનું શિયાળુ સત્ર 2022 માં નવા ભવનમાં યોજાશે. નવા સંસદ ભવનનો વિસ્તાર 64,500 ચોરસ ફૂટ હશે. તેમાં એક ભવ્ય 'બંધારણ હોલ' હશે જેમાં ભારતનો લોકશાહી વારસો સાચવવામાં આવશે. આ સિવાય સાંસદો માટે લાઉન્જ, લાયબ્રેરી, અનેક કમિટી રૂમ, ડાઇનિંગ રૂમ અને પાર્કિંગની જગ્યા હશે. નવા બિલ્ડિંગમાં, લોકસભામાં 888 સભ્યો માટે બેઠક વ્યવસ્થા હશે જ્યારે 384 સભ્યો રાજ્યસભામાં બેસી શકશે.
