ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
દેશમાં રસીકરણ અભિયાન બાબતે સિરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવ દ્વારા અપાયેલા નિવેદનને સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે કોઈ લેવાદેવા નથી. સિરમ ઇન્સ્ટિટ્યૂટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને એક પત્ર આપી ખુલાસો કર્યો છે કે અમારી ‘આ’ ભૂમિકા નથી.
હકીકતે સિરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે એક હેલ્થ પ્લૅટફૉર્મ તરફથી આયોજિત વર્ચ્યુઅલ સેમિનારમાં કહ્યું હતું કે “કેન્દ્ર સરકારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન-WHO)ની ગાઇડલાઇનને અને વેક્સિનના પુરવઠાનું આકલન કર્યા વગર જ વેક્સિનેશનનો વિસ્તાર વધાર્યો છે. સરકારે તૈયારી વગર જ એકસાથે બે વયજૂથનું વેક્સિનેશન શરૂ કરી દીધું છે. સરકારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપેલી ગાઇડલાઇન મુજબ ચાલીને જ વેક્સિનેશનમાં લોકોને પ્રાથમિકતા આપવી જોઈતી હતી.” આ નિવેદન સાથે કંપની સહમત નથી એવો ખુલાસો કંપનીએ કર્યો હતો.
સિરમ ઇન્સ્ટિટ્યૂટના નિયમનકારી વિભાગના સંચાલક પ્રકાશકુમાર સિંહે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સંસ્થા જાધવના નિવેદન સાથે સહમત નથી એવો મત તેમણે આદાર પુનાવાલા વતી વ્યક્ત કર્યો હતો. પત્રમાં લખાયું હતું કે અમારા પ્રવક્તા પૂનાવાલા છે અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ કોરોના સંકટ દરમિયાન સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.