ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
દિલ્હીના છત્રસાલ સ્ટૅડિયમ ખાતે થયેલી સાગર રાણાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી સુશીલકુમાર બે વાર દેશ માટે ઑલિમ્પિક મેડલ જીતી ચૂક્યો છે. એ બદલ તેને ૨૦૧૧માં રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી સન્માન મળ્યું હતું. હવે એ તેની પાસેથી છીનવાઈ જાય એવી શક્યતા છે.
એક પ્રતિષ્ઠિત અંગ્રેજી મીડિયા હાઉસના અહેવાલ મુજબ આ ઍવૉર્ડ રદ કરવાનો કોઈ સ્પષ્ટ નિયમ નથી. પદ્મશ્રીઍવૉર્ડ યોજના મુજબ રાષ્ટ્રપતિ કોઈપણ વ્યક્તિનો ઍવૉર્ડ રદ કરી શકે છે અને એ પછી તેનું નામ રજિસ્ટરમાંથી કાઢી શકાય છે. આ પછી તેણેઍવૉર્ડ પાછો આપવો પડશે. યોજના અનુસાર રાષ્ટ્રપતિ ઍવૉર્ડને ફરીથી આપવા, રદ કરવા અને રદ કરવાનો હુકમ પાછો ખેંચી લેવા સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે ગૃહ મંત્રાલય યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. ભૂતપૂર્વ ગૃહ સચિવ એન. ગોપાલસ્વામીના એક મીડિયા હાઉસને જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય સુશીલકુમારના ઍવૉર્ડ અંગેની સમીક્ષા અંગે ચર્ચા કરી શકે છે. રાષ્ટ્રપતિને ભલામણ કરતાં પહેલાં મંત્રાલયે કોર્ટના આદેશની રાહ જોવાનું પસંદ કર્યું છે. ચાર્જશીટ ફાઇલ થયા પછી રાષ્ટ્રપતિ ઍવૉર્ડ રદ કરી શકે છે અને જો સંબંધિત ખેલાડી બાદમાં નિર્દોષ છૂટી જાય તો ઍવૉર્ડ રદ કરવાનો હુકમ પણ પાછો ખેંચી શકાય છે.