ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
પાકિસ્તાનમાં સરકારી સંસ્થાઓ વિરુદ્ધ ઉઠાવવામાં આવતા અવાજને હવે સહન કરવામાં આવશે નહીં. આ અંગે પાકિસ્તાની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો હતો. જે અંતર્ગત ટેલિવિઝન ચેનલ પર સરકારી સંસ્થાઓની આલોચના કરવા પર પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જેમાં સેના, ગુપ્તચર સંસ્થા આઇએસઆઈ અને ન્યાયતંત્ર જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે પાકિસ્તાન ઝડપથી સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને એક વટહુકમ દ્વારા ઈલેક્ટ્રોનિક ક્રાઈમ પ્રિવેન્શન એક્ટમાં સુધારો કર્યો છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ ઉલ્વીએ રવિવારે હસ્તાક્ષર કર્યા હતા. જે બાદ તે કાયદો બની ગયો છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ જિયો ન્યૂઝે સૂત્રોને ટાંકીને કહ્યું કે કેબિનેટે ચૂંટણી પંચની આદર્શ આચાર સંહિતાના નિયમોમાં ફેરફારને પણ મંજૂરી આપી દીધી છે. હવે નવા કાયદા મુજબ સાંસદો અને મંત્રીઓને દેશભરમાં તેમના મનપસંદ ઉમેદવાર માટે પ્રચાર કરવાની છૂટ આપવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ બંને કાયદાઓ પર હસ્તાક્ષર કર્યા છે.
આશરે બે વર્ષ બાદ આ દેશએ વિદેશી પ્રવાસીઓ માટે ખોલ્યા દરવાજા, આ બાબતનું રાખવું પડશે ધ્યાન
સરકારી સંસ્થાઓની આલોચનાની કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ આ કાયદો બનાવવામાં આવ્યો છે. પહેલા જ્યાં ત્રણ વર્ષની સજા હતી તે હવે વધારીને પાંચ વર્ષની કરી દેવામાં આવી છે. નવા કાયદા હેઠળ આવતા કેસો પર દેખરેખ રાખવાનું કામ હાઈકોર્ટ પાસે રહેશે અને નીચલી અદાલતોએ છ મહિનામાં કેસનો નિકાલ કરવાનો રહેશે. પાકિસ્તાનના વિરોધ પક્ષોએ સરકારના આ વટહુકમની ટીકા કરી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા ઈરફાન સિદ્દીકીએ કહ્યું છે કે વિરોધને દબાવવાની સાથે સરકાર લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પણ પ્રયાસ કરી રહી છે.
ઈરફાન સિદ્દીકીએ કહ્યું કે હવે વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમના મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે અને તેમની શક્તિઓ ચૂંટણીને પ્રભાવિત કરી શકશે. જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાન સરકાર તેના વિરોધના અવાજાેને દબાવીને તેની છબી સુધારવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ તેનાથી તેની છબી પર નકારાત્મક અસર પડશે.