News Continuous Bureau | Mumbai
Zojila Tunnel Breakthrough। ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. શ્રીનગરને લેહલદ્દાખ સાથે જોડતી અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘જોજિલા ટનલ’ પ્રોજેક્ટનું સૌથી મુશ્કેલ અને જટિલ ખોદકામ સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે. આ ટનલ માત્ર ભારતની જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી અને સૌથી લાંબી સિંગલટ્યુબ બાયડિરેક્શનલ રોડ ટનલ બની ગઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ સુદૂર હિમાલયન ક્ષેત્રમાં ટનલનો ફાઇનલ બ્લાસ્ટ એટલે કે બ્રેકથ્રુ કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ ટનલ સક્રિય થતાં જ લદ્દાખ ક્ષેત્ર વર્ષના બારેમાસ અને તમામ ઋતુઓમાં દેશના બાકીના હિસ્સાઓ સાથે સીધું જોડાયેલું રહેશે.
Zojila Tunnel Breakthrough। હૈદરાબાદની કંપનીની અદભુત એન્જિનિયરિંગ ક્ષમતા અને નવીન ટેકનોલોજી
આ ભગીરથ પ્રોજેક્ટની કામગીરી હૈદરાબાદ સ્થિત પ્રતિષ્ઠિત કંપની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે. કંપનીના સત્તાવાર નિવેદન અનુસાર, આ ટનલ ભારતની સર્વોચ્ચ એન્જિનિયરિંગ ક્ષમતાનું જીવંત પ્રતીક છે. આ ટનલ ૧૧,૫૭૮ ફૂટની અદભુત ઊંચાઈ પર પશ્ચિમી હિમાલયની અત્યંત નબળી પહાડી સંરચનાઓ વચ્ચે બનાવવામાં આવી રહી છે. હિમાલયના પહાડોની અનિશ્ચિત પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આ સુરંગનું નિર્માણ ખાસ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ દ્વારા કરવામાં આવ્યું છે, જે નબળા ખડકોને મજબૂતી આપવા માટે વિશ્વની સૌથી આધુનિક ટેકનોલોજી ગણાય છે.
Zojila Tunnel Breakthrough। પાકિસ્તાન અને ચીન સરહદ પર ભારતીય સેના માટે માસ્ટરસ્ટ્રોક
વ્યૂહાત્મક અને લશ્કરી દ્રષ્ટિએ આ ટનલ ભારત માટે ગેમચેન્જર સાબિત થશે. શિયાળાની ઋતુમાં ભારે બરફવર્ષા, હિમપ્રપાત અને હાડ થીજવતી ઠંડીને કારણે જોજિલા પાસ મહિનાઓ સુધી બંધ રહેતો હતો, જેના કારણે લદ્દાખ સુધી લશ્કરી સામાન પહોંચાડવો અશક્ય બનતો હતો. ખાસ કરીને વર્ષ ૨૦૨૦માં પૂર્વીય લદ્દાખમાં ચીન સાથે થયેલી ગલવાન ખીણની હિંસક અથડામણ બાદ સેના અને ભારે હથિયારોની તૈનાતી માટે રસ્તાઓનું બારેમાસ ખુલ્લા રહેવું ખૂબ જરૂરી બન્યું હતું. હવે આ સુરંગના માધ્યમથી ભારતીય સેના પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા અને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈપણ મોસમમાં ખૂબ જ ઝડપથી સૈનિકો, મિલિટરી હાર્ડવેર અને ભારે ટેન્કો મોકલી શકશે.
Zojila Tunnel Breakthrough। ગરીબ કશ્મીરી મજૂરોનો સિંહફાળો અને કરોડોનો આર્થિક ફાયદો
મેઘા એન્જિનિયરિંગના પ્રોજેક્ટ અધિકારીઓએ જણાવ્યું કે આ ટનલના નિર્માણમાં કામ કરનારા કુલ શ્રમિકોમાંથી ૯૦ ટકા મજૂરો સ્થાનિક કશ્મીરી યુવાનો છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં શિયાળામાં તાપમાન માઈનસ ૨૫ ડિગ્રી સેલ્સિયસથી નીચે જવા છતાં આ એન્જિનિયરો અને મજૂરોએ દિવસ-રાત અવિરત કામ કર્યું છે. અંદાજે ૬,૮૦૯ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા આ આખા ૩૧ કિલોમીટર લાંબા ટનલ નેટવર્કમાં સોનામાર્ગથી બાલતાલ સુધી રસ્તાઓ, નાના પુલ અને અન્ય પેટા સુરંગોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટના સત્તાવાર લોન્ચિંગ પહેલા પણ ઈમરજન્સીની સ્થિતિમાં સેના અને સામાન્ય નાગરિકો તેનો ઉપયોગ કરી શકશે. આનાથી લદ્દાખમાં આર્થિક પ્રવૃત્તિઓ અને પ્રવાસન ઉદ્યોગને બહુ મોટો વેગ મળશે.
