News Continuous Bureau | Mumbai
World Cup 2023 : ભારતમાં આયોજિત આઈસીસી વર્લ્ડ કપ-2023ની 39મી મેચ મુંબઈ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) અફઘાનિસ્તાન સામે વિશ્વ ક્રિકેટની કદાચ તેની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી, જેને જોઈને વિરાટ કોહલી (Virat Kohli) ઘણો પ્રભાવિત થયો હતો. ગ્લેન મેક્સવેલે વાનખેડે સ્ટેડિયમમાં પગની ઇજાના દર્દથી કણસતા હોવા છતાં બેવડી સદી ફટકારી અને ઓસ્ટ્રેલિયા (Australia) ને સેમિફાઇનલ સુધી પહોંચાડ્યું.
તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 46.5 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કાંગારૂ ટીમની જીતનો હીરો ગ્લેન મેક્સવેલ હતો, જેણે 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 201* રન બનાવ્યા હતા.

કોહલીએ કર્યા વખાણ
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી ગ્લેન મેક્સવેલની ઇનિંગથી ઘણો પ્રભાવિત થયો હતો. કોહલીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં છ શબ્દોની મદદથી મેક્સવેલની પ્રશંસા કરી હતી. મેક્સવેલનો ફોટો શેર કરતી વખતે 35 વર્ષીય કોહલીએ કેપ્શન લખ્યું કે, આ ફક્ત તમે જ કરી શકો છો. ક્રેઝી ઇનિંગ્સ. તમને જણાવી દઈએ કે, ગ્લેન મેક્સવેલ અને વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સાથે રમે છે. બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. મેક્સવેલે ODI ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી અને રેકોર્ડની શ્રેણી બનાવી હતી.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023 : IND Vs PAK વચ્ચે જો સેમિફાઇનલ રમાશે તો આ સ્ટેડિયમમાં થશે મેચ! ત્રણ ટીમો સેમિફાઇનલની રેસમાં
કોહલીની 50મી સદીની રાહ
ગ્લેન મેક્સવેલે તેના અદ્ભુત પ્રદર્શનથી હેડલાઇન્સ બનાવી જ્યારે વિરાટ કોહલી રેકોર્ડ્સના શિખર પર બેસવાથી માત્ર એક ડગલું દૂર છે. વિરાટ કોહલીએ 49 ODI સદી ફટકારીને સચિન તેંડુલકરના સૌથી વધુ સદીના રેકોર્ડની બરાબરી કરી છે. કોહલી તેની આગામી મેચ નેધરલેન્ડ સામે રમશે. તે આ મેચમાં પોતાની 50મી સદી ફટકારીને આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનવાની આશા રાખશે.