News Continuous Bureau | Mumbai
World Cup 2023: દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન સામેની મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. 10 નવેમ્બર (શુક્રવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે સાઉથ આફ્રિકાએ 15 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકાની ટીમની જીતનો હીરો રાસી વાન ડેર ડુસેન હતો.
ડુસેને 95 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 75 રન બનાવ્યા હતા. એન્ડીલે ફેહલુકવાયોએ પણ 37 બોલમાં 39 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં ત્રણ સિક્સ અને એક ફોરનો સમાવેશ થતો હતો. ફેહલુકવાયો અને ડુસેને 65 રનની અતૂટ ભાગીદારી કરી હતી. વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે પણ ટોપ ઓર્ડરમાં 41 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને મોહમ્મદ નબીને બે-બે વિકીટની સફળતા મળી હતી.
વર્તમાન વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સફર અહીં સમાપ્ત થઈ ગઈ….
આ હાર સાથે વર્તમાન વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સફર અહીં સમાપ્ત થઈ ગઈ છે. સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે, અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે 438 રનના માર્જિનથી જીતવાની જરૂર હતી, જે લગભગ અશક્ય હતું. હવે સેમીફાઈનલમાં પહોંચવા ચોથા સ્થાન માટે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રેસ છે. જો કે ચોથા સ્થાન માટે ન્યુઝીલેન્ડની ટીમ હાલ મજબૂત દેખાઈ રહી છે.
જો પાકિસ્તાને સેમીફાઈનલમાં પ્રવેશ કરવો હોય તો તેણે આજે ઈંગ્લેન્ડ સામેની મેચ 287 રનના માર્જીનથી જીતવી પડશે. બીજો વિકલ્પ એ છે કે જો પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે લક્ષ્યનો પીછો કરે છે તો તેણે 284 બોલ બાકી રહેતાં મેચ જીતવી પડશે. આવું કરવું કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. આવી સ્થિતિમાં, બંને સ્થિતિમાં પાકિસ્તાનને હવે ‘કુદરતના ચમત્કાર’નો જ સહારો છે. જો પાકિસ્તાન આમ કરવામાં અસમર્થ રહેશે તો ન્યુઝીલેન્ડ સેમીફાઈનલમાં જશે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમિફાઇનલમાં પોતપોતાની જગ્યા નિશ્ચિત કરી ચૂક્યા છે.
વાત કરીયે સાઉથ આફ્રિકા- અફઘાનિસ્તાન મેચની તો પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાન ટીમની શરૂઆત સારી રહી હતી અને 40 રનના સ્કોર સુધી તેણે એકપણ વિકેટ ગુમાવી ન હતી. રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને શરૂઆતના પાવરપ્લેમાં કેટલાક સારા શોટ રમ્યા હતા. આફ્રિકાને પ્રથમ સફળતા કેશવ મહારાજે ગુરબાઝને આઉટ કરીને આપાવી હતી.
ઉમરઝાઈની શાનદાર ઈનિંગ્સ…
ગુરબાઝ બાદ અફઘાનિસ્તાને ટૂંકા ગાળામાં વધુ બે વિકેટ ગુમાવી દીધી હતી. 45 રન પર ત્રીજી વિકેટ પડ્યા બાદ રહમત શાહ અને અઝમતુલ્લા ઓમરઝાઈએ 49 રનની ભાગીદારી કરીને મેચને સંભાળી હતી. ત્યાર બાદ રહમતને લુંગી એનિગડીએ આઉટ કર્યો હતો. અહીંથી અફઘાનિસ્તાનને ઓમરઝાઈની મોટી ઇનિંગની જરૂર હતી.
ઉમરઝાઈએ અફઘાન ચાહકોને નિરાશ કર્યા ન હતા અને તોફાની ઈનિંગ્સ રમી હતી અને પોતાની ટીમને 244 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. 107 બોલનો સામનો કરીને ઉમરઝાઈએ અણનમ 97 રન બનાવ્યા જેમાં ત્રણ છગ્ગા અને સાત ચોગ્ગા સામેલ હતા. આ સિવાય રહેમત શાહ અને નૂર અહેમદે 26-26 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ODI ફોર્મેટમાં માત્ર એક મેચ રમાઈ હતી. 2019 વર્લ્ડ કપમાં રમાયેલી તે મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમ માત્ર 125 રનમાં આઉટ થઈ ગઈ હતી અને દક્ષિણ આફ્રિકાએ માત્ર 28.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.