ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
ટીવી અભિનેતા ઉર્ફી જાવેદને તાજેતરમાં જ 'બિગ બૉસ OTT' માંથી બહાર કાઢવામાં આવી છે. પુખ્ત સાઇટ પર ઉર્ફીની તસવીરો અપલોડ થયા બાદ તેની સાથે શું થયું એ તેણે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેને પરિવાર તરફથી કોઈ ટેકો મળ્યો નથી. એટલું જ નહીં, તેણે પિતા તરફથી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. સંબંધીઓ તેને પૉર્ન સ્ટાર માનવા લાગ્યા હતા.
એક ઇન્ટરવ્યૂમાં ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે આ ઘટના બાદ તેના પિતાએ તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપ્યો હતો. તેના સંબંધીઓ પણ તેનું બૅન્ક ખાતું તપાસવા માગતા હતા. તેઓએ વિચાર્યું કે એમાં પૈસા છુપાયેલા હશે. સિદ્ધાર્થ કાનનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉર્ફીએ કહ્યું, ‘હું એ સમયે કૉલેજમાં પણ નહોતી. હું ફક્ત 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એ ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે મને મારા પરિવારનો ટેકો ન મળ્યો. મારો પરિવાર મને દોષી ઠેરાવતો હતો.’
ઉર્ફી કહે છે કે મારા સંબંધીઓએ મને પૉર્ન સ્ટાર કહેવાનું પણ શરૂ કર્યું હતું. મારા પિતા માનસિક અને શારીરિક શોષણ કરનારા હતા અને આ ત્રાસ બે વર્ષ સુધી ચાલ્યો. મને મારું નામ પણ યાદ નથી. લોકો મારા વિશે ઘણી ખરાબ વાતો કરતા હતા. મારી સાથે જે થયું તે કોઈ પણ છોકરી સાથે ન થવું જોઈએ.’
તેણે કહ્યું કે આ અનુભવ પછી તેને સમજાયું કે તેનો પોતાનો અવાજ છે. 2020માં આપેલા ઇન્ટરવ્યૂમાં ઉર્ફીએ જણાવ્યું હતું કે તે તેની બે બહેનો સાથે ઘરેથી ભાગી ગઈ હતી. માતા એકલી પડી ગઈ હતી. એક અઠવાડિયા સુધી તેઓ દિલ્હીના એક પાર્કમાં રોકાયા. એ પછી નોકરી શોધવાનું શરૂ કર્યું. આ પછી તેને કૉલ સેન્ટરમાં નોકરી મળી. થોડા દિવસો બાદ તેના પિતાનાં લગ્ન થયાં, ત્યાર બાદ આખા પરિવારની જવાબદારી ઉર્ફીના ખભા પર આવી ગઈ.