ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારે અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીસની કરોડો રૂપિયાની ખંડણીના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા કેસમાં પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. તે આ કેસમાં સાક્ષી છે. ચંદ્રશેખર વિરુદ્ધ ચાલી રહેલી મની લૉન્ડરિંગ તપાસના સંદર્ભમાં એજન્સીએ તેને પ્રશ્નો પૂછ્યા હતા. ગયા અઠવાડિયે, EDએ ચેન્નઈમાં બીચફ્રન્ટ બંગલો, ચંદ્રશેખરના કેટલાક પરિસરમાં દરોડા પાડતી વખતે 82.5 લાખ રૂપિયા રોકડા અને ડઝનેક વૈભવી કાર જપ્ત કરી હતી.
EDએ દાવો કર્યો છે કે સુકેશ ચંદ્રશેખર લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી અને ષડ્યંત્રનો મુખ્ય આરોપી છે, જેની દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનુસાર સુકેશ 17 વર્ષની ઉંમરથી ગુનાની દુનિયામાં સક્રિય છે. તેની સામે અનેક કેસ નોંધાયેલા છે અને તે હાલમાં રોહિણી જેલમાં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે લોકોને છેતરવાનું બંધ કર્યું નથી. કેન્દ્રીય એજન્સીના જણાવ્યા અનુસાર ચંદ્રશેખર જેલમાંથી ટેક્નોલૉજીની મદદથી ભોળા લોકોને ગેરકાયદે ફોન કૉલ કરતો હતો. તેનો નંબર સંબંધિતોના મોબાઇલ ફોન પર દેખાતો નથી. આ કરતી વખતે તે પોતાને મોટા સરકારી અધિકારી તરીકે વર્ણવતો અને લોકોને મદદ કરવાના બહાને પૈસા ભેગા કરતો.
શું વિક્કી કૌશલની ફિલ્મ 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા' હવે નહીં બને? જાણો કારણ
ચંદ્રશેખરની 2017માં ચૂંટણી પંચના અધિકારીઓને લાંચ આપવાના નામે ટીટીવી દિનાકરન પાસેથી ખંડણીના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે દિનાકરનને ખાતરી આપી હતી કે તે તેના પક્ષને બે પાંદડાવાળું અન્નાદ્રમુકનું ચૂંટણી ચિહ્ન અપાવી દેશે.
