ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા પૉર્નોગ્રાફી કેસમાં કસ્ટડીમાં છે અને શિલ્પા તેની સાથેનાં લગ્ન તોડે ઓવી પણ ચર્ચા છે. જોકે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ કોઈ પણ રીતે ઓછી થતી હોય એવું લાગતું નથી. દિલ્હીની એક કોર્ટે બુધવારે એક વેપારીની ફરિયાદમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી ઉપરાંત અન્ય ઘણા લોકો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે શહેર પોલીસ પાસેથી રિપૉર્ટ માગ્યો હતો. આ વેપારીનો આરોપ છે કે તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આરોપ છે કે તેની પાસેથી છેતરપિંડી કરાયેલા પૈસાનો દુરુપયોગ થયો છે. ફરિયાદીના વકીલે જણાવ્યું કે મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ માનસી મલિકે આ કેસમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે પોલીસ પાસેથી રિપૉર્ટ માગ્યો છે.
વિશાલ ગોયલે આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ ષડ્યંત્ર હેઠળ તેની સાથે છેતરપિંડી કરી અને તેને 2018માં મુંબઈ સ્થિત એક કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું, બાદમાં કોઈ વળતર મળ્યું નહીં અને તેના શૅરની કિંમત પણ ઘટી ગઈ. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 'આરોપીએ જાણી જોઈને ફરિયાદીને 41,33,782 રૂપિયાનું રોકાણ ખોટા અને ગેરકાયદે હેતુઓ માટે કરાવ્યું.' ફરિયાદીએ કહ્યું કે રાજ કુન્દ્રા અને અન્ય લોકોએ તેમની કંપનીમાં રોકાણ કરવા માટે તેમની સાથે જૂઠું બોલ્યું અને કંપની વિશે અતિશયોક્તિપૂર્ણ વાતો કહેવામાં આવી અને તેમની કંપનીમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા. તેને કહેવામાં આવ્યું કે આ કંપની ગેમિંગ, ઍનિમેશન, બ્યુટી પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી હશે. આ પછી ગોયલે કહ્યું કે તેમને તાજેતરમાં જ ખબર પડી કે આ કંપની ઍડલ્ટ ફિલ્મો બનાવવા અને તેને ફોનમાં ચલાવવાનું કામ કરે છે.
ઍડ્વોકેટ સાહિલ મુંજાલ અને રિયા ગાંધી મારફતે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આવી અપ્રામાણિક અને દૂષિત પ્રવૃત્તિઓનું પરિણામ એ છે કે ફરિયાદી, જેને રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને સ્વાર્થી હેતુઓથી પૈસા પડાવવામાં આવ્યા છે. ફરિયાદીએ ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી અને વિશ્વાસનો ભંગ, માહિતી ટેકનોલૉજી અધિનિયમ, મહિલાઓનું અભદ્ર પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ અને સેબી અધિનિયમ હેઠળ FIRની નોંધણીની માગ કરી છે. રાજ કુંદ્રા અને શિલ્પા ઉપરાંત અન્ય છ ઉદ્યોગપતિઓ પણ આ કેસમાં આરોપી છે.