ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021
શનિવાર
કહેવા માટે કે રેખા ભૂતકાળના યુગની અભિનેત્રી છે, પરંતુ તેની સુંદરતા સામે આજની હીરોઇનો પણ પાણી ભરે છે. રેખાના ચહેરા પરની ચમક જોઈને લાગે છે કે તેણે સમયને પોતાનો ગુલામ બનાવી લીધો છે. તેણે ફિલ્મમાં પોતાના દમદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે અને પોતાની સુંદરતાથી બધાને દંગ કરી દીધા છે. જોકે રેખાએ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. જ્યારે તેણે બાળપણમાં તેના મિત્રોની સામે આ ઇચ્છા જાહેર કરી હતી, ત્યારે બધા તેના પર હસવા લાગ્યા હતા.
રેખાએ વર્ષ 1966માં બાળકલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજ સુધી તેણે પાછું વળીને જોયું નથી. સિમી ગરેવાલના ચેટ શોમાં રેખાએ તેના જીવનની એ ક્ષણોને યાદ કરી જ્યારે લોકો તેના પર હસતા હતા અને કેવી રીતે જીવનમાં તેની સફળતાએ બધું બદલી નાખ્યું. રેખાએ કહ્યું હતું કે ‘સાવન ભાદો’ ફિલ્મની સફળતાએ તેને ઘણી પ્રભાવિત કરી હતી અને તેના મિત્રો પણ સમજી ગયા હતા કે તે કેટલી પ્રતિભાશાળી છે, જેમને લાગતું હતું કે તેનો ચહેરો હીરોઇન બનવાને લાયક નથી.
રેખાએ કહ્યું હતું કે, 'મને ઘણો પ્રેમ અને મહત્ત્વ મળી રહ્યું હતું અને હું તેના માટે ખૂબ ખુશ હતી. મારી બહેનો ખૂબ ખુશ હતી. અમે કાર ખરીદી શકતાં હતાં, ઘર ખરીદી શકતાં હતાં અને બીજું જે પણ અમે ખરીદવા માગતાં હતાં. મારા શાળાના મિત્રો મારી ઈર્ષ્યા કરતા હતા. જ્યારે હું તમને કહેતી કે શું ખબર કાલે હું મોટી સ્ટાર પણ બની જાઉં તો! તો તેઓ કહેતા અચ્છા તેં તારો ચહેરો જોયો છે અરીસામાં? જ્યારે મારી પહેલી ફિલ્મ હિટ બની ત્યારે તેમણે કહ્યું કે ભાનુએ આખરે એ કરી બતાવ્યું.'
રેખાએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળકલાકાર તરીકે કરી હતી, પરંતુ તે ક્યારેય અભિનેત્રી બનવા માગતી નહોતી. તેણે કહ્યું કે 13 વર્ષની ઉંમરે તેણે ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું નહોતું. તેણે કહ્યું હતું કે, "એ સમયે હું એટલું જ ઇચ્છતી હતી કે કોઈ મને પ્રેમ કરે અને મારી બાકીની જિંદગી મારી સાથે વિતાવે અને બાળકો હોય. મારે ઘણાં બાળકો જોઈએ છે.’’
અમિતાભ બચ્ચનને મળ્યો તેનો નવો પાડોશી, દર મહિને આટલા લાખ રૂપિયા ભાડા પેટે મળશે; જાણો વિગત
રેખાએ લગ્ન પણ કર્યાં, પરંતુ તેનાં લગ્ન ક્યારેય સફળ ન થયાં. બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથેના તેના અફેરના સમાચારે જબરદસ્ત હેડલાઇન્સ બનાવી હતી. એવું કહેવાય છે કે બિગ બી રેખાની એટલી નજીક આવી ગયા હતા કે જયા સાથેનાં તેમનાં લગ્ન તૂટવાનાં હતાં, પરંતુ જયાએ તેમની ગૃહસ્થી સંભાળી લીધી. રેખાનો પ્રેમ અને બાળકની ઇચ્છા ભલે પૂરી ન થઈ હોય, પરંતુ બૉલિવુડમાં તેની સફર અદ્ભુત રહી છે.