ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 નવેમ્બર 2020
બોલિવુડમાં કેટલાક કલાકારો પોતાના સમય પહેલા નિવૃત થઈ જાય છે. તો કેટલાકની ઉંમર થઈ હોવા છતા લીડ રોલમાં એક્ટિંગ કરી રહ્યા છે. ફિલ્મ 'જાને તુ યા જાને ના' અને 'આઈ હેટ લવ સ્ટોરી' જેવી ફિલ્મોમાં લીડ રોલ પ્લે કરનાર ઈમરાન ખાને એક્ટિંગને અલવિદા કહી દીધું છે. બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનના ભાણીયા ઈમરાન ખાને એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. લાંબા સમય સુધી સ્ક્રીનથી દૂર રહેલો ઈમરાન હવે એક્ટિંગ કરશે નહીં.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોથી ઈમરાન પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણો ચર્ચામાં છે. પરંતુ આ વચ્ચે સામે આવેલા સમાચારથી ઈમરાન ખાનના ચાહકો નારાજ થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ના અભિનેતા ઈમરાન ખાને 12 વર્ષ પછી એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો છે. હવે ફિલ્મોમાં એક્ટિંગ કરતા દેખાશે નહીં. ઈમરાને હવે બીજી બાજુ પોતાનું ધ્યાન લગાવવાનું શરૂ કરી દીધુ છે. પ્રાપ્ત જાણકારી મુજબ ઈમરાન ખાન હવે એક્ટિંગની જગ્યાએ ફિલ્મોનું નિર્દેશન કરવાની યોજના બનાવી રહ્યા છે.
નોંધનીય છે કે ઈમરાન ખાને બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મો કારકિર્દીની શરૂઆત આમિર ખાનની ફિલ્મ કયામતથી કરી હતી. તેણે કિડનેપ, આઈ હેટ લવ સ્ટોરી, મેરે બ્રધર કી દુલ્હન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લી વાર તે વર્ષ 2015માં ફિલ્મ કટ્ટી બટ્ટીમાં નજરે પડ્યા હતા. વર્ષ 2018માં તેમની શોર્ટ ફિલ્મ પણ આવી હતી જેમાં તેણે નિર્દેશન કર્યુ હતું
