ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
બોલીવુડના જાણીતા અભિનેતા પરેશ રાવલ ની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતથી ભાજપના પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલને એનએસડીના અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યાં છે.
કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે પરેશ રાવલને NSD ના ચીફ બનવા પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે 'લોકપ્રિય માનનીય કલાકાર પરેશ રાવલજીને રાષ્ટ્રપતિએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો તથા છાત્રોને મળશે. હાર્દિક શુભેચ્છા.'
65 વર્ષીય પરેશ રાવલ સિનેમા તથા થિયેટરના જાણીતા કલાકાર છે. પરેશ રાવલે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'NSD ની ભૂમિકા પડકારરૂપ છતાંય રસપ્રદ રહેશે. હું મારી તરફથી બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશ, કારણ કે આ એવું ક્ષેત્ર છે, જેને હું સારી રીતે સમજું છું અને ઓળખું છું.'
1984-85માં પહેલી ફિલ્મ આવી હતી
પરેશ રાવલની ફિલ્મી કરિયરની શરૂઆત 1984 માં આવેલી ફિલ્મ 'હોલી' થી થઈ હતી. ત્યારબાદ 1985માં આવેલી ફિલ્મ 'અર્જુન'માં જોવા મળ્યા હતા. પરેશે 1993માં 'સર' તથા 1994માં 'વો છોકરી' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.. પરેશ રાવલે અભિનેતામાંથી નેતાની ભૂમિકા પણ ભજવી છે. તેઓ ભાજપા ના ગુજરાતમાંથી એમપી પણ રહયાં છે.
