ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
06 જાન્યુઆરી 2021
કરણ જોહર કોઈને કોઈ વાતે સમાચારમાં રહેતા હોય છે. મીડિયામા પ્રસારિત સમાચાર મુજબ બોલીવૂડના પ્રસિદ્ધ પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન માટે નવા વર્ષમાં સારા સમાચાર આવ્યાં છે. બાકી ગયા વર્ષે સુશાંત રાજપૂતના મૃત્યુ બાદ કરણ જોહરને સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. અને ડ્રગ્સના કેસમાં એના એક કર્મચારી નું નામ આવ્યાં બાદ કરણ જોહર વધુ બદનામ થયાં હતાં.
આમ છતાં ધર્મા પ્રોડક્શને ગયા વર્ષે કોર્નરસ્ટોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી અને લાઇકા પ્રોડક્શન જેવી મોટી કંપનીઓ સાથે ડીલ કરવામાં સફળતા મળી છે. તાજેતરમાં મળેલા સમાચાર અનુસાર પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રૂપ ધર્મા પ્રોડક્શનનો 30% હિસ્સો ખરીદવા જઈ રહી છે. બિઝનેસની દુનિયામાં એક પછી એક ઉંચાઈઓ સર કરી રહેલા ગૌતમ અદાણીની બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રીથી ઘણી મોટી હલચલ મચી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
નોંધનીય છે કે ધર્મા પ્રોડક્શન મોટા સ્ટાર સાથે બીગ બજેટ ફિલ્મો બનાવવા માટે જાણીતી કંપની છે. હાલમાં આ કંપનીના બેનર હેઠળ અમિતાભ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર ફિલ્મ બની રહી છે. જેનું બજેટ 300 કરોડ રુપિયાને પાર થઈ ગયું છે. આ સિવાય આગામી દિવસોમાં જુગ જુગ જીયો, શેરશાહ, રણભૂમિ, દોસ્તાના 2 જેવી ફિલ્મો ધર્મા પ્રોડક્શન બનાવવાનું છે.