ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક્શન થ્રિલર 'પુષ્પા: ધ રાઇઝ – પાર્ટ 1' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર ધમાલ મચાવવા આવી રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે નેશનલ ક્રશ રશ્મિકા મંડન્ના લીડ રોલમાં હતી.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે અને હવે તેનું પ્રીમિયર 7 જાન્યુઆરીએ પ્રાઇમ વીડિયો પર થશે. અલ્લુ અર્જુનની 'પુષ્પા: ધ રાઇઝ' એ યશ-સ્ટારર KGFને પછાડીને અત્યાર સુધીની સૌથી મોટી દક્ષિણ-ભારતીય ફિલ્મોમાંની એક બની ગઈ છે.
સુકુમાર દ્વારા દિગ્દર્શિત એક્શન થ્રિલર 'પુષ્પાઃ ધ રાઇઝ – પાર્ટ 1' એ પણ કમાણીના મામલામાં રણવીર સિંહની ફિલ્મ 83ને પાછળ છોડી દીધી છે. હોલીવુડ ફિલ્મ 'સ્પાઈડર મેન' સાથે રિલીઝ થઈ હોવા છતાં 'પુષ્પા: ધ રાઈઝ – પાર્ટ 1' એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. આશા છે કે ફિલ્મને OTT પર પણ સારો પ્રતિસાદ મળશે.
સાઉથના ટોચના કલાકારોની યાદીમાં સામેલ અલ્લુ અર્જુને હજુ બોલિવૂડમાં પગ મૂક્યો નથી. જ્યારે સાઉથના ઘણા સેલેબ્સ બોલિવૂડમાં ડંકા વગાડી ચૂક્યા છે. જ્યારે અલ્લુ અર્જુનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેનો જવાબ હતો કે અત્યાર સુધી તેને કોઈ સ્ક્રિપ્ટ પસંદ નથી આવી.ચાહકો પણ અલ્લુ અર્જુનના બોલિવૂડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ પુષ્પાની વાત કરીએ તો સામંથા રૂથપ્રભુએ એક આઈટમ નંબર પણ કર્યો છે જેના માટે તેણે મોટી રકમ લીધી છે. 'પુષ્પા' અભિનેત્રી રશ્મિકા મંડન્નાના અભિનયના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.