ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
બૉલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. 1942માં જન્મેલા અમિતાભ બચ્ચન આજે 79 વર્ષના થયા. અભિનય જગતમાં પ્રવેશ કરનાર અમિતાભે સતત 12 ફ્લોપ ફિલ્મો પણ આપી હતી. ભારે અવાજને કારણે ઑલ ઇન્ડિયા રેડિયો તરફથી પણ તેમનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો, પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું અને ફિલ્મ 'જંજીર' તેમની કારકિર્દીમાં નવો વળાંક લાવી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સફળતાના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા અને અમિતાભે એ પછી ક્યારેય પાછું વળીને જોયું નહીં અને ઇન્ડસ્ટ્રીના 'શહેનશાહ' બની ગયા.
અમિતાભે એક વખત દિવંગત અભિનેત્રી શ્રીદેવીને મનાવવા માટે ગુલાબથી ભરેલી ટ્રક મોકલી હતી. આ તે સમય હતો, જ્યારે શ્રીદેવી સુપરસ્ટાર હતી અને ફિલ્મ ઉદ્યોગની મહિલા અમિતાભ બચ્ચન પણ તે કહેવાતી હતી. તેના રહેવાથી જ ફિલ્મ હિટ બની જતી હતી. શ્રીદેવી માટે દરેક જણ પાગલ હતા ‘હિંમતવાલા’ ફિલ્મથી ઓળખ મેળવનાર શ્રીદેવીને ‘ચાંદની’ ફિલ્મ દ્વારા રાતોરાત પ્રખ્યાત કલાકારોમાં સામેલ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ઋષિ કપૂર અને વિનોદ ખન્ના હતા. શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને ત્યારથી શ્રીદેવી સ્ત્રી અમિતાભ બચ્ચન તરીકે ઓળખાવા લાગી. એ જ સમયે શ્રીદેવીએ અમિતાભ સાથે કામ કરવાનું બંધ કરી દીધું. તેનું માનવું હતું કે જે ફિલ્મમાં અમિતાભ છે ત્યાં અન્ય કલાકારો માટે બાકી શું કરવાનું રહે.
આવી સ્થિતિમાં જ્યારે મુકુલ આનંદ ફિલ્મ 'ખુદા ગવાહ'ની સ્ક્રિપ્ટ લઈને અમિતાભ પાસે પહોંચ્યા ત્યારે ઇન્ડસ્ટ્રીના બાદશાહે તેમને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે શ્રીદેવી આ ફિલ્મની હીરોઇન બને. આ પહેલાં શ્રીદેવી અને અમિતાભ બચ્ચને ‘ઇન્કિલાબ’ અને ‘આખરી રાસ્તા’ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. અમિતાભ જાણતા હતા કે શ્રીદેવી તેમની સાથે કામ નહીં કરે. આવી સ્થિતિમાં તેમણે કંઈક કરવું પડ્યું, જેના કારણે તેઓ શ્રીદેવીને તેમની સાથે ફિલ્મમાં કામ કરવા માટે મનાવી શકે.
અમિતાભે આનો ઉપાય શોધી કાઢ્યો. એ સમયે શ્રીદેવી ફિરોઝ ખાન સાથે એક ગીતનું શૂટિંગ કરી રહી હતી. અમિતાભે ગુલાબથી ભરેલી ટ્રક એ સ્થળે મોકલી. શ્રીદેવીને નજીકમાં બોલાવ્યા બાદ ટ્રકને ખાલી કરવામાં આવી હતી. આમ અમિતાભની યુક્તિ કામ લાગી અને શ્રીદેવી તેમની સાથે ફિલ્મ કરવા માટે માની ગઈ. તેણે એક શરત પણ મૂકી હતી, જે હતી કે તે આ ફિલ્મમાં ડબલ રોલ કરશે. શ્રીદેવી આ ફિલ્મમાં માતા અને પુત્રી બંનેનો રોલ કરવા માગતી હતી. આ રીતે તે અમિતાભની ફિલ્મમાં ડબલ રોલ કરનાર પ્રથમ નાયિકા બની. આ રીતે અમિતાભ અને શ્રીદેવીએ ફિલ્મ ‘ખુદા ગવાહ’માં સાથે કામ કર્યું.