ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
દરેક વ્યક્તિ ટીવી ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. દરેક વ્યક્તિ આમાં પોતાનું નસીબ અજમાવે છે. એની પાછળનું કારણ માત્ર મોટી કમાણી જ નથી, પણ લોકો અમિતાભ બચ્ચનને નજીકથી મળવા માગે છે, તો દર્શકોની રાહ હવે પૂરી થઈ છે. 'કૌન બનેગા કરોડપતિ 13' સોની ટીવી પર 23 ઑગસ્ટથી પ્રસારિત થશે. KBC–13 અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝને એના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પ્રોમો શૅર કરીને આ તમામ માહિતી આપી છે.
'કૌન બનેગા કરોડપતિ'નો નવો પ્રોમો અનોખી રીતે રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોનો જે ભાગ શૅર કરવામાં આવ્યો છે એ એનો ત્રીજો ભાગ છે. આને શૅર કરતાં, કેપ્શનમાં લખ્યું છે કે ભાગ એક અને બે પર જબરદસ્ત પ્રતિસાદ બદલ આભાર. હવે અમે તમારા માટે ભાગ ત્રીજાની સુંદર શ્રેણી શૅર કરી રહ્યા છીએ! ઉલ્લેખનીય છે કે KBC–13નો પ્રોમો ફિલ્મી ફૉર્મેટ જેવો બનાવવામાં આવ્યો છે. લાંબા ફૉર્મેટની ફિલ્મનો ખ્યાલ ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ લીધો છે. તે નિતેશ તિવારી દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. આ ફિલ્મનું શીર્ષક 'સમ્માન' છે.