ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 સપ્ટેમ્બર 2020
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની તપાસનો વ્યાપ વધતો જાય છે. શનિવારે ડ્રગ્સ કેસમાં એનસીબીએ બીજી ધરપકડ કરી છે. એનસીબીએ ધર્મા પ્રોડક્શનના ભૂતપૂર્વ કાર્યકર ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી છે. આ અગાઉ શુક્રવારે પણ એનસીબીએ મોડી રાત સુધી ક્ષિતિજ પ્રસાદની પૂછપરછ ચાલુ રાખી હતી. એટલું જ નહીં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ક્ષિતિજના ઘરની તલાશી પણ લીધી હતી. કહેવાય છે કે ક્ષિતિજનું નામ ધરપકડ કરાયેલ ડ્રગ્સ પેડલર અંકુશ અરનેજાના નિવેદનમાં આવ્યું છે. NCBએ ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી છે. પૂછપરછમાં ક્ષિતિજે અનેક રહસ્યો ખોલ્યા હોવાની આશંકા છે.
ડ્રગ્સ મામલે NCB એ ધર્મા પ્રોડક્શનના 2 લોકોની પૂછપરછ કર્યા બાદ કરણ જોહરે આ વિશે ચોખવટ કરી છે. તેણે ટ્વીટ કરીને સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે 'હું ક્યારેય ડ્રગ્સ લેતો નથી અને એને પ્રમોટ પણ કરતો નથી. મારા પરિવાર, મિત્રો અને ધર્મા પ્રોડક્શન વિશે જે પણ વાતો થઈ રહી છે એ બધી બકવાસ છે.'
:: ક્ષિતિજનું નામ આવતાં કરણે 5 પોઈન્ટથી ચોખવટ કરી ::
કેટલીક ન્યૂઝ ચેનલ, પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોટી રીતે રિપોર્ટિંગ કરી રહ્યા છે કે મેં 28 જુલાઈ, 2019ના રોજ મારા ઘરે પાર્ટી રાખી હતી, એમાં ડ્રગ્સનો યુઝ થયો હતો.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપ્રા મારા નજીકના મિત્રો છે. હું ચોખ્ખા શબ્દોમાં કહેવા માગું છું કે હું તેમને પર્સનલી જાણતો નથી અને આ બંનેમાંથી કોઈપણ મારો ખાસ મિત્ર નથી.
અનુભવ ચોપ્રા મારી કંપની ધર્મા પ્રોડક્શનના કર્મચારી નહોતા, તેમણે 2011 અને 2013 દરમિયાન ઈન્ડિપેન્ડન્ટલી કંપની સાથે બે પ્રોજેક્ટ પર કામ કર્યું હતું.
ક્ષિતિજ રવિ પ્રસાદ નવેમ્બર 2019માં ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલી કંપની ધર્મમેટિક એન્ટરટેઈનમેન્ટ સાથે જોડાયેલો હતો. તે માત્ર પ્રોજેક્ટ માટે કોન્ટ્રેક્ટ બેઝ પર એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતો.
આ લોકો તેમની પર્સનલ લાઈફમાં શું કરે છે એના માટે હું કે ધર્મા પ્રોડક્શન જવાબદાર નથી.