ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
34 વર્ષ પહેલાં રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલા અભિનેતા અરુણ ગોવિલ ફરી એક વાર આ જ પાત્રમાં જોવા મળશે. જોકે આ વખતે તે ટીવી પર નહીં, પરંતુ મોટા પડદા પર રામ બનશે. હા, અક્ષયકુમારની ફિલ્મ 'ઓહ માય ગૉડ'ની સિક્વલમાં અરુણ ગોવિલ પ્રભુ શ્રીરામની ભૂમિકા ભજવતો જોવા મળશે. ‘ઓહ માય ગૉડ 2’ અશ્વિન વર્ડે અને અક્ષયકુમાર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે, જ્યારે એનું નિર્દેશન અમિત રાયના હાથમાં છે.
અહેવાલ અનુસાર, અક્ષયકુમાર ઘણા સમય પહેલાં ઇચ્છતો હતો કે અરુણ ગોવિલ તેની ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવે. ભગવાન રામની ભૂમિકા માટે અરુણથી સારો ચહેરો બીજો કોઈ હોઈ શકે નહીં. દેશના લોકોએ પણ ગોવિલને રામની ભૂમિકામાં સંપૂર્ણ રીતે સ્વીકાર્યો છે. અક્ષયકુમાર સિવાય પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ પણ 'ઓહ માય ગૉડ 2'માં કામ કરી રહ્યાં છે. જ્યારે ફિલ્મનો પહેલો ભાગ ધાર્મિક કટ્ટરતા અને અંધશ્રદ્ધા પર આધારિત હતો. બીજો ભાગ ભારતીય શિક્ષણવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પહેલાં ફિલ્મનું શૂટિંગ ઉજ્જૈનમાં 13 ઑક્ટોબરથી શરૂ થવાનું હતું, પરંતુ ક્રૂના ત્રણ સભ્યો કોરોના પૉઝિટિવ મળ્યા બાદ શૂટિંગ 23 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવ્યું છે.
અરુણ ગોવિલને સિરિયલ ‘વિક્રમ બેતાલ’થી ઓળખ મળી. આ પછી, તેણે 'લવ કુશ' (1989), 'કૈસે કહૂં' (2001), 'બુદ્ધ' (1996), 'અપરાજીતા', 'વો હુયે ના હમારે' અને 'પ્યાર કી કશ્તી મેં' જેવી ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું. ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો અરુણને 1977માં તારાચંદ બડજાત્યાની ફિલ્મ ‘પહેલી’ સાથે પ્રથમ બ્રેક મળ્યો હતો. એ પછી તેણે 'સાવન કો આને દો' (1979), 'સાંચ કો આંચ નહીં' (1979) અને 'ઇત્ની સી બાત' (1981), 'હિંમતવાલા' (1983), 'દિલવાલા' (1986), 'હાથકડી' (1995) અને 'લવ કુશ' (1997) જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.