News Continuous Bureau | Mumbai
મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે. OTT પર રિલીઝ થનારી આ ફિલ્મના ટ્રેલરમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. બીજી તરફ ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવેલ કોર્ટરૂમ ડ્રામા જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આસારામ બાપુ પર આધારિત છે. જોકે, ફિલ્મના મેકર્સ દ્વારા આ અંગે ક્યાંય કહેવામાં આવ્યું નથી. પરંતુ, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આસારામ બાપુ ટ્રસ્ટે આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે.
આસારામ બાપુ ટ્રસ્ટે જારી કરી નોટિસ
ફિલ્મના ટ્રેલરમાં ક્યાંય પણ આસારામ બાપુના નામનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ, મનોજ બાજપેયી દ્વારા ભજવવામાં આવેલા પાત્રને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે અપૂર્વ સિંહ કાર્કી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આસારામ બાપુની વાર્તા બતાવવામાં આવી છે. મનોજ બાજપેયીએ આ ફિલ્મમાં પીસી સોલંકી નામના વકીલની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે, વાસ્તવિક જીવનમાં આ જ નામના વકીલે આસારામ બાપુ વિરુદ્ધ કેસ લડ્યો હતો. કદાચ આ જ કારણ છે કે આસારામ બાપુ ટ્રસ્ટે આ ફિલ્મ સામે કાર્યવાહી કરી છે. હા, એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ આસારામ બાપુ ટ્રસ્ટે ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે.
નોટિસ મળ્યા બાદ ફિલ્મ નિર્માતા ની સામે આવી પ્રતિક્રિયા
આસારામ બાપુના ચેરિટેબલ ટ્રસ્ટે કોર્ટ પાસે ફિલ્મના પ્રમોશન અને રિલીઝ પર સ્ટે માંગ્યો છે. આટલું જ નહીં, આસારામ બાપુ ટ્રસ્ટના વકીલે કહ્યું કે “ફિલ્મ તેમના ક્લાયન્ટ પ્રત્યે વાંધાજનક અને બદનક્ષી ભરી છે. આ ફિલ્મ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે અને તેમના ભક્તો અને અનુયાયીઓની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે.” નોટિસની પ્રાપ્તિની પુષ્ટિ કરતા ફિલ્મ નિર્માતા એ કહ્યું, “અમારા વકીલો આગળનું પગલું નક્કી કરશે.” તમને જણાવી દઈએ કે, અમે હમણાં જ પીસી સોલંકી પર બાયોપિક બનાવી છે અને આ ફિલ્મ બનાવવા માટે અમે તેમની પાસેથી રાઇટ્સ પણ ખરીદ્યા છે. હવે જો કોઈ એવું કહેતું હોય કે આ ફિલ્મ તેના પર બની છે તો તે આવું વિચારી શકે છે, પરંતુ તેને રોકી શકાય નહીં.
