ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જુલાઈ, 2021
શુક્રવાર
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી સુરેખા સિકરીનું મુંબઈમાં નિધન થયું છે. અભિનેત્રી લાંબા સમયથી બીમાર હતાં. 2020માં સુરેખા બ્રેઇન સ્ટ્રૉકનો શિકાર બન્યાં હતાં. અહેવાલો અનુસાર, અભિનેત્રીનું આજે સવારે હાર્ટ ઍટેકને કારણે નિધન થયું હતું. બીજા બ્રેઇન સ્ટ્રૉકને કારણે તેઓ મુશ્કેલીઓ સામે લડી રહ્યાં હતાં. તેમના પરિવારના સભ્યો અને સંભાળ લેનારાઓ તેમની સંભાળ લેતા હતા. સુરેખા સિકરીને 2020માં અને 2018માં બે વાર બ્રેઇન સ્ટ્રૉક આવ્યા હતા, જેના કારણે તેઓ લકવાગ્રસ્ત થઈ ગયાં હતાં. તે શૂટિંગ દરમિયાન જ પડી ગયાં હતાં.
સુરેખા સિકરીના મૅનેજરે આ વાતની પુષ્ટિ કરતાં મીડિયાને જણાવ્યું કે, “ત્રણ વાર નૅશનલ ઍવૉર્ડ વિજેતા રહી ચૂકેલાં સુરેખા સિકરીનું આજે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે 75 વર્ષની વયે અવસાન થયું છે. બીજા બ્રેઇન સ્ટ્રૉક પછી ઊભાં થયેલાં કેટલાંક કૉમ્પ્લિકેશનથી તેઓ પીડાઈ રહ્યાં હતાં. તેઓ પોતાના પરિવાર અને દેખરેખ કરનારાઓની હાજરીમાં અવસાન પામ્યાં છે. પરિવાર આ સમયે પ્રાઇવસીની અપેક્ષા રાખે છે. ઓમ્ સાંઈ રામ.”
ટી સિરીઝના CEO પર બળાત્કારના આરોપથી ખળભળાટ, જાણો વિગત
સુરેખા સિકરીએ અનેક ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું હતું. જોકે સિરિયલ ‘બાલિકા વધૂ’માં ‘દાદીસા’નો રોલ કરીને તેઓ ખૂબ પ્રખ્યાત થયાં હતાં. આપને જણાવી દઈએ કે સુરેખાએ થિયેટર, ફિલ્મ અને ટીવીમાં ઘણું કામ કર્યું છે. તેમણે 1978 ની સાલમાં રાજકીય ડ્રામા ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’થી શરૂઆત કરી હતી. સુરેખાએ આ પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એટલું જ નહીં, સુરેખાને ત્રણ વખત સપોર્ટિંગ ઍક્ટ્રેસ માટે નૅશનલ ઍવૉર્ડ મળ્યો હતો. સુરખાએ વર્ષ 1971 માં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાથી ગ્રૅજ્યુએશન કર્યું હતું. સુરેખા સિરકીએ વર્ષ 1989 માં સંગીત નાટક એકાદમી ઍવૉર્ડ પણ જીત્યો છે. સુરેખા સિરકીને સૌથી વધુ લોકપ્રિયતા શો ‘બાલિકા વધૂ’માં પોતાના પાત્ર કલ્યાણીદેવીથી મળી હતી.