ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
કોરોના વાયરસ મહામારીના કારણે દેશના અર્થતંત્રની સાથે મનોરંજન જગત પર પણ માઠી અસર જોવા મળી છે. મહામારીના સંક્ર્મણ ને રોકવા માટે જે છ મહિનાનું દેશવ્યાપી લોકડાઉન લાગુ થયુ તેના કારણે અનેક લોકો જે આ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા છે, તેમની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. આવા જ વ્યક્તિ છે પ્રખ્યાત ધારાવાહિક સીરિયલ બાલિકા વધુના ડાયરેક્ટર રામવૃક્ષ. કોરોનાના કારણે ઠપ્પ થયેલા કામના કારણે તેઓ પોતાના પરીવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચી રહ્યા છે. તેઓ વર્ષ 2002માં મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે ઘણી મેહનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું. ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો.
પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ એ બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેઓ કામ કરી ચુક્યા છે.
આ અંગે ડિરેક્ટર રામવૃક્ષ ગૌડનું કહેવું છે કે ટીવી ઉદ્યોગમાં ખુબ અનિશ્ચિતતા રહે છે. જો કે મારું કામ સારૂ ચાલતું હતું. ઇન્ડસ્ટ્રીમાં ખુબ કામ હતું. કામ આવતું હતું તો પ્રોડક્શન હાઉસના હિસાબે સાઈઠ હજારથી લઈને દોઢ લાખ પ્રતિ મહિને કમાઈ લેતો હતો. પરંતુ હવે તો શાકભાજી વેચીને મહિને માંડ 20 હજાર કમાણી થાય છે. જોકે આ કામ મારા માટે કઈ નવું નથી. મારા પિતા પણ આ જ કામ કરતા હતા અને હું મુંબઈ આવતા પહેલા આ જ કામ કરતો હતો. કામ કોઈ નાનું કે મોટું હોતું નથી. હું ખુશ છું. મુંબઈમાં હાલાત સુધરશે ત્યારે પાછો હું ઇન્ડસ્ટ્રીમાં પરત ફરીશ.
