ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021
શનિવાર
શાહરુખ પહેલાં જૅકી ચાનના પુત્રની પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ વર્ષ 2014માં જેકી ચાનના એક સમાચાર ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં, ઍક્શન સુપરસ્ટાર જૅકી ચાનના પુત્ર જયસી ચાનની 2014માં બેઇજિંગ પોલીસે ડ્રગના કેસમાં ધરપકડ કરી હતી. આ પછી તેના ઘરની તલાશી લેવામાં આવી હતી, જ્યાંથી 100 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ પછી જૅકી ચાને જાહેરમાં માફી માગી હતી.
મીડિયા રિપૉર્ટ્સ અનુસાર દીકરાના કેસની સુનાવણી દરમિયાન ન તો જૅકી ચાન કોર્ટ પહોંચ્યા, ન તો સજા ઘટાડવા માટે તેમણે કોઈની ભલામણ કરી. તેણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ લખ્યું કે તે તેના પુત્રના આ કૃત્યથી શરમજનક, ગુસ્સે અને નિરાશ છે. તેમણે લખ્યું, "મને આશા છે કે યુવાનો જેસી પાસેથી બોધપાઠ લેશે અને ડ્રગ્સથી દૂર રહેશે."
તેણે લખ્યું, "હું મારા દીકરાનો ઉછેર કરવામાં નિષ્ફળ ગયો અને મારે જવાબદારી પણ લેવી જોઈએ. જેસી અને હું સમાજની માફી માગીએ છીએ. એક પિતા હોવાને કારણે હું અત્યંત દુઃખી છું અને માતાનું દિલ તૂટી ગયું છે." જેલમાંથી બહાર આવ્યા બાદ જેસી ચાને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
આ દરમિયાન તેણે જાહેરમાં માફી માગી હતી. જેસીએ કહ્યું હતું કે તેણે કાયદો તોડવાની ભૂલ કરી હતી અને એથી જ તે જેલમાં ગયો હતો. તે આ માટે કોઈ બહાનું બનાવશે નહીં. તેના જેલમાં જવાને કારણે, જેની સાથે તેણે કામ કર્યું છે અથવા સંપર્કમાં છે તે દરેકને નુકસાન થશે. તેમણે આ દરમિયાન વચન પણ આપ્યું હતું કે હવે તે એક સારા નાગરિકની જેમ જીવશે. તે આવી ભૂલ ફરી ક્યારેય નહીં કરે.
પરંતુ શું તમે જાણો છો કે એક દાયકા પહેલાં અભિનેતાએ કહ્યું હતું કે તે તેની નેટવર્થ 350 મિલિયન ડૉલર ચૅરિટીમાં દાન કરશે અને તે તેના પુત્ર જેસીને નહીં આપે? એક ન્યુઝ ચૅનલે 2011 માં જૅકીને ટાંકીને કહ્યું હતું કે, "જો તે સક્ષમ હોય તો તે પોતાના પૈસા કમાઈ શકે છે. જો તે ન હોય તો તે માત્ર મારા પૈસાનો બગાડ કરશે."
ઉલ્લેખનીય છે કે ડ્રગના કેસમાં આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. હવે તે બે દિવસ આર્થર રોડ જેલમાં રહેશે. હાલમાં આર્યન અને અરબાઝ મર્ચન્ટને ક્વોર્ન્ટાઇન સેલમાં રાખવામાં આવ્યા છે. બંને નવી જેલના પહેલા માળે બેરેક નંબર 1માં બંધ છે.
