ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ સાથે સંકળાયેલી અને ડ્રગ્સ કેસમાં જેનું નામ આવ્યું છે એ રિયા ચક્રવર્તી હાલ જેલમાં બંધ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા 8 સેપ્ટમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમા મોકલવામાં આવી હતી કારણ કે કોર્ટ દ્વારા તેના જામીન નામંજુર થયા હતાં. હાલ રિયા ચક્રવર્તી મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે.
નોંધનીય છે કે રિયાએ એનસીબીને આપેલા નિવેદનમાં કબૂલાત કરી હતી કે તે ડ્રગ્સ સિન્ડિકેટનો ભાગ હતી. જોકે રિયા ચક્રવર્તી બોલિવૂડની પહેલી હસ્તી નથી કે જે જેલમાં ગઈ છે. રિયા પહેલા બોલીવુડના ઘણા જાણીતા સ્ટાર જેલની હવા ખાઈ ચુક્યા છે. રિયા પહેલા પણ બીટાઉનના ઘણા સેલેબ્સને ગંભીર ગુનામાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આમાં માત્ર ડ્રગ્સ કેસ જ નહીં બળાત્કાર, ઇરાદાપૂર્વકની હત્યા, છેતરપિંડી સહિતના ઘણા અન્ય ગુનાઓ શામેલ છે. જાણો તે કયા સ્ટાર્સ છે ..
1. સંજય દત્ત
સંજય દત્ત, જે હાલમાં લંગ્સ કેન્સર સામે લડી રહ્યો છે, 1993 ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં પ્રિવેન્શન એક્ટ હેઠળ ગેરકાયદેસર રીતે હથિયારો રાખવાના મામલામાં દોષી ઠેરવાયો હતો. સંજય દત્ત પર ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને એકે -56 રાઇફલ હોવાનો આરોપ હતો. સંજુ બાબાને આ કેસમાં સંડોવણી આપીને લાંબી જેલની સજા સંભળાવી હતી. 2013 માં, તેમને 5 વર્ષની સજા ફટકારી હતી. સારા વર્તનને કારણે સંજય દત્ત 25 ફેબ્રુઆરી, 2016 ના રોજ પુણેની યરવદા જેલમાંથી મુક્ત થયો હતો.

2. સલમાન ખાન
લાખો ચાહકોના દિલ પર રાજ કરનાર સલમાન ખાનને પણ જેલની સજા ફટકારવામાં આવી હતી. 1998 માં, સલમાન ખાન કાળા હરણના શિકારમાં સામેલ થયો હતો. જે બાદ તેને એપ્રિલ 2018 માં 5 વર્ષની સજા ફટકારી હતી. જોકે, જોધપુર કોર્ટ હેઠળ સજા તરીકે સલમાન ખાન એક જ દિવસ જેલમાં વિતાવ્યા બાદ જામીન પર છૂટી ગયો હતો. સલમાન પર હિટ એન્ડ રન, આર્મ્સ એક્ટ જેવા કેસ પણ ચલાવવામાં આવ્યા હતા, પરંતુ સલમાન ખાન તે આરોપોથી નિર્દોષ છૂટી ગયો હતો.

3. અક્ષય કુમાર
બોલિવૂડનો સ્ટંટ મેન અક્ષય કુમાર પણ જેલમાં ગયો છે. 2009 માં લેક્મે ફેશનવીક ડેનિમ બ્રાન્ડ માટે જીન્સ પહેરીને અક્ષય કુમાર રેમ્પ પર ચાલતો હતો કે તેણે પ્રેક્ષકો સાથે બેસેલી તેની પત્ની ટ્વિંકલને ઈશારો કર્યો, જે બાદ ટ્વિંકલે તેની જીન્સની ચેન ખોલી અને બંધ કરી દીધી. તે સમયે આ વાતને લઈને ઘણો હંગામો થયો હતો. તે પછી આના પર ઘણો વિવાદ પણ સર્જાયો હતો અને આ બંને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદ અક્ષયને જેલમાં પણ જવું પડ્યું હતું, જોકે તેને તરત જ જામીન મળી ગયા હતા.

4. સોનાલી બેન્ડ્રે
બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને પણ મેગેઝિનના કવર પર છપાયેલી તેની તસવીરને કારણે જેલમાં જવું પડ્યું હતું, તેમની સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સોનાલી બેન્ડ્રેને જેલમાં જવું પડ્યું હતું. જોકે તેને આ કેસમાં બેલ મળી ગઈ હતી.

5. જ્હોન અબ્રાહમ
2006 માં, બોલીવુડ અભિનેતા જ્હોન અબ્રાહમને કોર્ટે 15 દિવસની જેલની સજા સંભળાવી હતી. જ્હોન અબ્રાહમે તેની બાઇક સાથે બે લોકોને ટક્કર મારી હતી પરંતુ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેની સામે બેદરકાર ડ્રાઇવિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.

6. સૈફ અલી ખાન
મુંબઇની તાજ હોટેલમાં સૈફ અલી ખાન કરીના કપૂર અને મલાઈકા અરોરા સાથે જમવા ગયા અને ત્યારબાદ તેની સાથે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો અને સૈફ અલીએ તે વ્યક્તિના નાક પર મુક્કો માર્યો અને તેનું નાક તૂટી ગયું. આ પછી, પોલીસે અભિનેતાની અટકાયત કરી અને તેને જેલ ભેગો કરી દીધો હતો અને ત્યારબાદ જામીન પર છૂટી ગયો હતો.

7. ફરદીન ખાન
ફરદીન ખાનને 5 મે 2001 ના રોજ કોકેઇન રાખવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે 5 દિવસ જેલમાં વિતાવ્યા, પરંતુ બાદમાં તે જામીન પર છૂટી ગયો. ફરદીન ખાનને જેલમાંથી સીધા પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો.

8. શાઈની આહુજા
'લાઇફ ઇન અ મેટ્રો', 'ગેંગસ્ટર' જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા શાઈની આહુજા ને બળાત્કારના કેસમાં વર્ષ 2009 માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર માં ઘરના કામ કરનારી 20 વર્ષીય કામવાળી બાઈએ તેના પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. જો આરોપ સાબિત થયા બાદ તેને 7 વર્ષની જેલની સજા થઇ હતી. જોકે ત્રણ વર્ષ જેલમાં રહ્યા બાદ શાઈનીને જામીન પર પણ મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેની ફિલ્મી કારકીર્દિ સંપૂર્ણ નાશ પામી હતી.

9. રાજપાલ યાદવ
બોલીવુડની ફિલ્મોમાં તેની કોમેડીથી પ્રેક્ષકોને હસાવનારા રાજપાલ યાદવ પણ એક કેસમાં જેલમાં જઈ ચુક્યા છે. તેમની પાસે ચેક બાઉન્સનો કેસ હતો, ત્યારબાદ તેને જેલમાં જવું પડ્યું હતું, રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે પાંચ કરોડના ચેક બાઉન્સ હોવાના કારણે ત્રણ મહિનાની સજા સંભળાવી હતી. રાજપાલ યાદવને નવેમ્બર 2018 માં 5 કરોડની લોન ન ભરવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. વર્ષ 2010 માં રાજપાલ અને તેની પત્ની રાધાએ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે 5 કરોડની લોન લીધી હતી. આરોપ સાબિત થતાં રાજપાલ ત્રણ મહિના સુધી જેલમાં રહ્યો હતો.

10. મોનિકા બેદી
બોલિવૂડની અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી મોનિકા બેદીને 2006 માં પ્રખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમ સાથે નકલી ગેરકાયદેસર દસ્તાવેજો સાથે પોર્ટુગલમાં પ્રવેશ કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. લિસ્બન શહેરમાંથી પકડાયેલી મોનિકાને 4 વર્ષની સજા થઇ હતી. મોનિકાને 2010 માં રિહા કરવામાં આવી હતી, અને તે ફિલ્મ અને ટીવીમાં કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેટલીક પ્રાદેશિક ફિલ્મો ઉપરાંત વર્ષ 2013-14ની સીરિયલ 'સરસ્વતિચંદ્ર'માં વેમ્પની ભૂમિકા ભજવી હતી.

11. સૂરજ પંચોલી
સૂરજ પર પ્રેમિકા જિયા ખાનને આપઘાત કરવા માટે ઉક્સાવવાનો ગુનો દાખલ કરાયો હતો, ત્યારબાદ તેણે જેલમાં ઘણો સમય વિતાવ્યો હતો. જિયાએ 3 જૂન, 2013 ના રોજ તેના મુંબઇ સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી, ત્યારબાદ પોલીસે તેના લિવ-ઇન બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી. મુંબઈ હાઇકોર્ટે લગભગ એક મહિના પછી સુરજને જામીન આપી દીધા હતા.

12. પ્રેરણા અરોરા
'પરી' અને 'પેડમેન' જેવી ફિલ્મોની નિર્માતા પ્રેરણા અરોરા જેલમાં 8 મહિના ગાળ્યા બાદ ગત વર્ષે જ બહાર આવી હતી. પ્રેરણા અરોરાને મુંબઈ ઇકોનોમિક ઑફેંસ વિંગ (EOW) દ્વારા વર્ષ 2019 માં નિર્માતા વાશુ ભગનાની પાસેથી 3.16 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પ્રેરણા અરોરાને જેલમાં મોકલી દેવામાં આવી હતી. નોંધનીય છે કે લાંબા સમયથી ચાલતા મામલા બાદ પ્રેરણાને જેલમાં મોકલવામાં આવી હતી. પ્રેરણા પર 16 કરોડની છેતરપિંડીનો આરોપ હતો. ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર વાશુ ભગનાનીએ પ્રેરણા અને ક્રી અર્જ એન્ટરટેઈનમેન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી.

