ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 નવેમ્બર 2020
આજકાલ બોલિવૂડની ફિલ્મોના નામને લઈને વિરોધ થતો જોવા મળી રહ્યો છે. બોલિવૂડમાં હિન્દુ ધર્મનું અપમાન કરતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ખિલાડી અક્ષય કુમારની ફિલ્મનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે. આ જાણકારી આ ફિલ્મના નિર્માતા અક્ષય કુમાર એ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફિલ્મના નામમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. અક્ષયે ટ્વીટ કર્યું છે- ‘શું તમે તૈયાર છો? પ્રાઇમ વીડિયો પર 11 ડિસેમ્બરના રોજ મળીએ દુર્ગામતીને.’
અગાઉ આ ફિલ્મનું ટાઇટલ ‘દુર્ગામતી’ હતું. જેને હવે ‘દુર્ગામતી-ધ મિથ’ કરી દીધું છે. નામની પાછળ મિથ એટલા માટે ઉમેરવામાં આવ્યું છે, જેથી ફિલ્મને લઇને કોઇ વિવાદ ન થાય. જોકે ફિલ્મ મેકર્સે તેનું કોઇ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કોઇ વિવાદથી બચવા માટે મેકર્સએ આમ કર્યું છે.
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ‘અમેઝોન પ્રાઇમ’ પર 11 ડિસેમ્બરના રિલીઝ થશે. આ ફિલ્મ તમિલ-તેલુગૂની હોરર-થ્રિલર ફિલ્મ ‘ભાગમતી’ની રીમેક છે, જેમાં અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ મુખ્ય રોલ ભજવ્યો હતો. આ ફિલ્મને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહ્યા છે અને અક્ષય કુમાર અને ભૂષણ કુમાર તેને પ્રેઝન્ટ કરી રહ્યા છે.
નોંધનીય છે કે અક્ષય કુમારે અગાઉ પણ પોતાની ફિલ્મ ‘લક્ષ્મી’નું શીર્ષક બદલ્યું હતું. આ પહેલાં ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’ હતું, જેનો સોશિયલ મીડિયામાં ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક સંગઠનોએ પણ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે મેકર્સએ ફિલ્મના રિલીઝ પહેલાં ફિલ્મનું નામ બદલ્યું હતું. એટલા માટે તેમણે સાવધાની વર્તતા પોતાની આગામી ફિલ્મના નામમાં પણ ફેરફાર કર્યો છે.
