ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
બોલિવુડના પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને ચાર મહિના જેટલો સમય થઈ ગયો છે. ગત 14 જૂને અભિનેતા તેના બાન્દ્રા સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ મામલે એક નવી અપડેટ સામે આવી રહી છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ ટૂંક સમયમાં આ સમગ્ર મામલે તપાસ ખતમ કરીને પોતાની ક્લોઝર રિપોર્ટ રજૂ કરી શકે છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ, આ મામલે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્લેસ્ટિગેશન ટીમે પણ તેમની તપાસ પૂરી કરી લીધી છે અને બિહાર કોર્ટમાં તેઓ તેમની ફાઈનલ રિપોર્ટ રજૂ કરવાના છે. સૂત્રોએ જણાવ્યું છે કે, સીબીઆઈને આ મામલે કોઈપણ પ્રકાર ગડબડ હોવાની આશંકા નથી, જેથી તેઓ તેમની ક્લોઝર રિપોર્ટ ટૂંક સમયમાં બિહાર કોર્ટમાં રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, CBI ઉપરાંત ED અને NCB આ કેસની તપાસ કરી રહી છે. અહેવાલ પ્રમાણે, CBIએ પોતાની તપાસ પૂરી કરી લીધી છે અને તેને સુશાંત કેસમાં કોઈ જ કાવતરની આશંકા નથી. CBI ટૂંક સમયમાં ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરશે. નોંધનીય છે કે આ અગાઉ એઇમ્સએ હત્યાની થિયરી નકારી હતી અને કહ્યું હતું કે, આ આત્મહત્યાનો કેસ છે.