ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પહેલાથી જ કાયદાકીય કેસમાં ફસાયેલા આ કપલ સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. માહિતી અનુસાર, નિતિન બરાઈ નામના વ્યક્તિએ બાંદ્રા પોલીસને જણાવ્યું કે શિલ્પા અને રાજ તેની સાથે 2014થી એક પેઢી દ્વારા છેતરપિંડી કરી રહ્યા છે. બરાઈની ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 409, 420, 506, 34 અને 120 (બી) હેઠળ કેસ નોંધ્યો છે. આ પછી હવે મુંબઈ પોલીસ જલ્દી જ આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરી શકે છે. તેમજ, આ કેસમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની બાજુ જાણવા માટે, પોલીસ ટૂંક સમયમાં તેમનો સંપર્ક કરી શકે છે.
ફરિયાદીનો આરોપ છે કે જુલાઇ 2014માં SFL ફિટનેસ કંપનીના ડાયરેક્ટર કાશિફ ખાને, શેટ્ટી, કુન્દ્રા અને અન્ય લોકો સાથે મળીને કહ્યું હતું કે જો તે તેની કંપનીની ફ્રેન્ચાઇઝી લે અને પુણેના કોરેગાંવ વિસ્તારમાં જીમ અને સ્પા ખોલે તો તેનાથી તેને ઘણો ફાયદો થશે.. તેની વાત માનીને બરાઈએ 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાનું રોકાણ કર્યું, પરંતુ તે પછી આરોપીઓએ તેના પૈસા પોતાના ફાયદા માટે વાપર્યા. એટલું જ નહીં, જ્યારે તેણે તેના પૈસા પાછા માંગ્યા તો તેને ધમકી પણ આપવામાં આવી.
આદિત્ય ચોપરા યશ રાજ ફિલ્મ્સનું OTT પ્લેટફોર્મ કરશે લોન્ચ, આટલા કરોડનું રોકાણ કરવાની યોજના; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે અભિનેત્રીનો પતિ એક કેસમાં પહેલા જ જામીન પર બહાર છે. વાસ્તવમાં, રાજ કુન્દ્રાની આ વર્ષે જુલાઈમાં પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને પ્રસારણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેણે લગભગ 2 મહિના જેલમાં વિતાવ્યા હતા. હાલ તે જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે. શિલ્પા આ દિવસોમાં પરિવાર સાથે હિમાચલમાં છે. અહીં તેણે પતિ રાજ સાથે ધર્મશાળામાં બગલામુખી મંદિરની મુલાકાત પણ લીધી હતી.