ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
છત્તરપુરના સાહિલ આદિત્ય અહિરવારે ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)માં 1 કરોડ જીત્યા છે. 7 કરોડના સવાલ પર તે મૂંઝાઈ ગયો અને રમત છોડી દીધી. તે KBCમાં કેવી રીતે રમ્યો એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શોના હોસ્ટ અમિતાભ બચ્ચને તેને કાર ગિફ્ટ કરી હતી. બૉલિવુડ અભિનેત્રી તાપસી પન્નુએ પણ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
તમને જણાવી દઈએ કે શોમાં 1 કરોડ જીતનાર સાહિલનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તેઓ છત્તરપુર જિલ્લાથી લગભગ 60 કિલોમીટર દૂર લવકુશ નગરમાં માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. તેમની ભાડાના રૂમની સાઇઝ માત્ર 10 બાય 11 ફૂટ છે. તેમના પિતાનું નામ બાબુ આહિરવાર છે. પરિવારની સંભાળ રાખવા બાબુ નોઇડામાં સિક્યૉરિટી ગાર્ડ છે. માતા સરોજ ગૃહિણી છે. સાહિલનો નાનો ભાઈ પારસ હજુ અભ્યાસ કરે છે. KBCમાં પ્રવેશ મેળવવા માટે સાહિલ ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યો હતો. જ્યારે મીડિયાએ સાહિલના પિતા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હું રાતદિવસ મહેનત કરી રહ્યો છું, જેથી મારાં બાળકો તેમનાં સપનાં પૂરાં કરી શકે. હું મજૂર અને રક્ષક તરીકે કામ કરીને મારા પરિવારને પોષી રહ્યો છું. હું ખુશ છું કે મારાં બાળકો મારી અપેક્ષા મુજબ કરી રહ્યાં છે. મને મારા પુત્ર સાહિલ પર ગર્વ છે.
માતા સરોજ પોતાના પુત્રની સિદ્ધિથી ફૂલી નહોતી સમાતી. તે કહે છે કે દીકરાએ KBC માટે રાતદિવસ કામ કર્યું. માતા અમિતાભ બચ્ચનને મળવા માંગતી હતી. પુત્રને હૉટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે જોતાં તેની ખુશી છુપાવી ન શકી. પુત્ર હાલમાં સાગર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરે છે. આ સાથે UPSC પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યો છે. માતા કહે છે કે દીકરો અમારું સપનું ચોક્કસ પૂરું કરશે.
સાહિલે શોમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં તેની માતાનું કિડનીનું ઑપરેશન થયું હતું. ત્યાર બાદથી માતાને તકલીફ થવા લાગી છે. તેના પિતા નોઇડામાં ગાર્ડ તરીકે કામ કરે છે. તેમનો પગાર 15 હજાર રૂપિયા છે. પિતાને રજા લેવામાં તકલીફ છે, એથી તેઓ શોમાં આવી શક્યા નથી. તેના પિતા ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. દરમિયાન તેણે બિગ બીને કહ્યું કે તે બૉલિવુડ અભિનેતા સલમાન ખાનનો ચાહક છે. તેણે તાપસી પન્નુને પોતાનો પ્રેમ અને ક્રશ કહ્યો. તેણે અમિતાભને તાપસી વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા, કારણ કે અમિતાભે તાપસી સાથે કામ કર્યું છે, તે તેમને ખૂબ સારી રીતે ઓળખતા હશે, એવું સાહિલે કહ્યું હતું.