News Continuous Bureau | Mumbai
Cocktail 2 Cast Fees। બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર, કૃતિ સેનન અને સાઉથ બ્યુટી રશ્મિકા મંદાનાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કોકટેલ ૨’ (Cocktail 2) અત્યારે સિનેમા જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ ફિલ્મના ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે, જેણે દર્શકોમાં પહેલેથી જ જોરદાર ક્રેઝ બનાવી દીધો છે. લવ ટ્રાયેન્ગલ (ત્રિકોણીયો પ્રેમ) પર આધારિત આ ફિલ્મની રિલીઝ પહેલા તેના લીડ કલાકારોની ચોંકાવનારી ફીની વિગતો સોશિયલ મીડિયા પર સામે આવી છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મનું કુલ બજેટ ૮૦ કરોડ છે, જેમાંથી આશરે ૭૦ ટકા જેટલી મોટી રકમ માત્ર આ ત્રણ મુખ્ય કલાકારોને મહેનતાણા તરીકે ચૂકવવામાં આવી છે.
શાહિદ કપૂરને મળ્યા સૌથી વધુ ૩૫ કરોડ, કૃતિ અને રશ્મિકાની ફી પણ જાણીને ચોંકી જશો
મીડિયા રિપોર્ટ મુજબ, ‘કોકટેલ ૨’ ના મેકર્સે ફિલ્મમાં મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવી રહેલા શાહિદ કપૂરને સૌથી વધુ એટલે કે ૩૫ કરોડની તોતિંગ ફી ચૂકવી છે. બીજી તરફ, ફિલ્મની બંને લીડિંગ હીરોઈન કૃતિ સેનન અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના માંથી પ્રત્યેકને ૧૫-૧૫ કરોડની ફી આપવામાં આવી છે. જો આ ત્રણેય કલાકારોની ફીનો સરવાળો કરવામાં આવે તો તે ૬૫ કરોડ થાય છે. આ ગણિત મુજબ, ફિલ્મ પ્રોડક્શન અને શૂટિંગ પાછળ બજેટમાંથી માત્ર ૧૫ કરોડનો જ ખર્ચ થયો હોવાનું કહેવાય છે, જોકે સત્તાવાર રીતે આ આંકડાઓની પુષ્ટિ કરવામાં આવી નથી.
વર્ષ ૨૦૧૨ ની સુપરહિટ ‘કોકટેલ’ ની સિક્વલ, હોમી અદજાનિયાએ કર્યું છે ડાયરેક્શન
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨ માં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની ફિલ્મ ‘કોકટેલ’ આવી હતી, જેની અનન્ય વાર્તા અને જબરદસ્ત મ્યુઝિકે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે ૧૪ વર્ષ બાદ આ જ ફિલ્મના મૂળ આધાર પર ‘કોકટેલ ૨’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ બંને ફિલ્મોનું ડાયરેક્શન પ્રખ્યાત ડાયરેક્ટર હોમી અદજાનિયાએ જ કર્યું છે. આ નવી ફિલ્મ આગામી ૧૯ જૂન ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જેના ગીતો અત્યારથી જ ચાર્ટબસ્ટર સાબિત થઈ રહ્યા છે.
શાહિદ-કૃતિની જૂની કેમેસ્ટ્રી બાદ હવે રશ્મિકા મંદાના સાથેની જોડી જોવા દર્શકો આતુર
ફિલ્મના ટ્રેલર અને ગીતોમાં શાહિદ કપૂર કરતાં પણ વધુ કૃતિ સેનન અને રશ્મિકા મંદાના વચ્ચેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી અને બોન્ડિંગને ખૂબ જ શાનદાર રીતે દર્શાવવામાં આવ્યું છે, જે ઓડિયન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. શાહિદ અને કૃતિ સેનન અગાઉ સુપરહિટ ફિલ્મ ‘તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા’ માં એકસાથે જોવા મળ્યા હતા, જેમાં તેમની જોડી હિટ રહી હતી. હવે, આ રોમેન્ટિક ડ્રામામાં રશ્મિકા મંદાના અને શાહિદ કપૂરની નવી જોડી મોટા પડદા પર કેવો કમાલ કરે છે અને દર્શકોને કેટલી એન્ટરટેન કરે છે, તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.
👉 આ સમાચાર વાચો:
Cannes 2026। ઐશ્વર્યા રાયના ટ્રોલર્સ પર ભડકી માધુરી દીક્ષિત, વજન અને ઉંમર મુદ્દે આપ્યો કરારો જવાબ