ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 નવેમ્બર 2020
બિહારના સિકંદરપુરમાં રહેતા એક શખ્સે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ સીજેએમ કોર્ટમાં નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેતા અમિતાભ બચ્ચન, એક ટીવી ક્વિઝ શોના ડાયરેક્ટર અરુણેશ કુમાર, રાહુલ વર્મા, ટીવી ચેનલના પ્રમુખ મનજીતસિંહ, સીઈઓ એનપી સિંહ તેમજ સ્પર્ધક વિલ્સન સહિત સાત લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ પર આગામી સુનાવણી માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. આ તમામ પર આરોપ છે કે શો દરમિયાન સ્પર્ધકને ધર્મશાસ્ત્રથી સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પ્રશ્ન અને વિકલ્પમાં આપેલા જવાબો વાંધાજનક હતા. આથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે (ગુરુવારે) એડીજે વનની કોર્ટમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યાના કાવતરાના આરોપ હેઠળ દાખલ કરેલા રિવિઝન કેસ પર સુનાવણી કરવામાં આવી હતી. દરમિયાન આરોપી ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, ભૂષણ કુમાર તેમજ સાજિદ નડિયાદવાલાના વકીલ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ભણસાલી દ્વારા વકીલ સરોજ કુમાર અને બાકીના ત્રણેય ફિલ્મ નિર્માતાઓ તરફથી પ્રિયરંજન ઉર્ફે અન્નુ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ભણસાલી તરફથી પહેલી વખત તેમના વકીલ હાજર રહ્યા હતા. કોર્ટે આગામી સુનાવણી માટે 9 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.
આપને જણાવી દઈએ કે ગત 14 ઓગસ્ટના રોજ એડવોકેટ સુધીરકુમાર ઓઝાએ સલમાન સહિત આઠ ફિલ્મ હસ્તીઓ વિરુદ્ધ જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રીવીઝન કેસ દાખલ કર્યો હતો. આ અગાઉ જુલાઈમાં સીજેએમ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.