ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
01જાન્યુઆરી 2021
બોલીવુડ ફિલ્મ ઉદ્યોગના સિતારાઓ લાઇમ લાઈટ ઉપર રહેવા માટે સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે. પોતાની તસવીરો અને વીડિયો દ્વારા તે ચાહકો સાથે જોડાયેલા પણ રહેતા હોય છે ત્યારે આ બધા વચ્ચે બોલીવુડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાનું સોશિયલ મીડિયા નવા વર્ષના દિવસે જ એકદમ ખાલી કરી નાખ્યું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટરની પણ બધી જ પોસ્ટ ડીલીટ કરી દીધી છે. હવે દીપિકાના DP સિવાય તેના ચાહકોને દીપિકાની વૉલ ઉપર બીજું કઈ જ દેખાઈ નથી રહ્યું, જેના કારણે ચાહકોને આશ્ચર્ય થયું કે, છેવટે આવું કેમ થયું છે.
ઉલ્લેખનીય છે કે દીપિકાને ઇન્સ્ટાગ્રામ ઉપર 52.5 મિલિયન લોકો ફોલો કરે છે તો ફેસબુક અને ટ્વીટર ઉપર પણ તેને લાખો લોકો ફોલો કરે છે, આ બધા વચ્ચે દીપિકાનું પોતાના સોશિયલ મીડિયા ઉપરની બધી જ પોસ્ટ ડીલીટ કરવું આશ્ચર્યની વાત છે. એવામાં હવે જોવાનું એ રહે છે કે, શું આ દીપિકાની નવી મૂવીનાં પ્રમોશનની રણનીતિનો હિસ્સો તો નથી ને. જોકે પ્રશંસકોને અત્યારે એ જાણવા માટે થોડા સમયની રાહ જોવી પડશે. કારણ કે આમ થવાનું રહસ્ય હજુ અકબંધ છે. ખુદ દીપિકા કોઇ સ્પષ્ટતા કરે તો ખ્યાલ આવે કે એની તમામ પોસ્ટ ઓચિંતી શી રીતે ગાયબ થઇ ગઇ.
અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના પતિ રણવીર સિંહ સાથે હાલમાં રાજસ્થાનના રણથંભોરમાં નવા વર્ષની ઉજવણી કરી રહી છે. દીપિકાનાં વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે શકુન બત્રાની મૂવી મહાભારત, પઠાન તેમજ પ્રભાસ સ્ટાર મૂવી જેનું હાલ ટાઇટલ સામે આવ્યું નથી એમાં કામ કરી રહી છે.
