News Continuous Bureau | Mumbai
Aditya Dhar Dhurandhar 2 Court Case| બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહેલી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ ના ડાયરેક્ટર આદિત્ય ધર માટે રાહતના સમાચાર આવ્યા છે. ફિલ્મની વાર્તા ચોરી કરવાના આરોપો સામે ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં કર્ણાટક હાઈકોર્ટે આદિત્ય ધરની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
બેંગલુરુના સ્ક્રીનરાઈટર સંતોષ કુમારે કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ‘ધુરંધર 2’ ની વાર્તા તેમની ઓરિજિનલ સ્ક્રિપ્ટ ‘ડી-સાહેબ’ માંથી ચોરવામાં આવી છે. સંતોષ કુમારે આ મામલે હરજાણાની માંગણી કરવાની સાથે ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ રદ કરવાની પણ માંગ કરી હતી. જોકે, જસ્ટિસ કે.એસ. હેમલેખાની સિંગલ બેન્ચે આ અરજીમાં કોઈ દમ ન હોવાનું જણાવી તેને ફગાવી દીધી છે.
બોમ્બે હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે મામલો
આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આદિત્ય ધરની ટીમે સંતોષ કુમાર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સંતોષ કુમારના વકીલે કોર્ટમાં ખાતરી આપી છે કે જ્યાં સુધી આ મામલો વિચારાધીન છે, ત્યાં સુધી તેઓ ડાયરેક્ટર આદિત્ય ધર વિરુદ્ધ કોઈ પણ જાહેર નિવેદન આપશે નહીં. અગાઉ આદિત્ય ધરે સ્ક્રિપ્ટ ચોરીના આરોપોને પાયાવિહોણા ગણાવી સંતોષ કુમારને કાયદાકીય નોટિસ પણ ફટકારી હતી.
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’ નો કહેર
વિવાદો વચ્ચે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. ‘ધુરંધર 2’ એ અત્યાર સુધીમાં વર્લ્ડવાઈડ ૧૮૩૩.૨ કરોડ રૂપિયા નું કલેક્શન કરી લીધું છે, જ્યારે ભારતમાં તેનો નેટ સ્કોર ૧૧૦૦ કરોડને પાર કરી ગયો છે. ગલ્ફ દેશોમાં પ્રતિબંધ હોવા છતાં આ ફિલ્મ વિશ્વભરમાં નંબર ૧ પોઝિશન પર યથાવત છે. રણવીર સિંહની આ સ્પાય થ્રિલર ફિલ્મ હવે ભારતીય સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.